અમદાવાદઃ આજે સમગ્ર દેશમાં ગણેશચતુર્થીની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. અગાઉના સમયમાં આ ઉત્સવ મહારાષ્ટ્ર પૂરતો જ સિમિત હતો પરંતુ હાલના સમયમાં મહારાષ્ટ્ર, ગુજરાત સહિત સમગ્ર દેશમાં તેની ઉજવણી થાય છે. અમદાવાદમાં પણ ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઇ રહી છે. ભક્તો વિઘ્નહર્તાની પોતાના ઘરમાં પધરામણી કરી રહ્યા છે.
વિધ્નહર્તા, દુખહર્તા,ચર્તુભુજ સહિત અનેક નામથી જાણીતા લોકોના પ્રિય બાપા ધૂમ-ધડાકા સાથે આવ્યા છે. લોકો બાપાને એક દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ સુધી ઘર, ઓફિસ કે પંડાલમાં પધરાવે છે. લોકોએ સવારે બાપાની ભવ્ય આરતી કરી પ્રિય મોદકનો પ્રસાદ ભોગમાં ચઢાવ્યો હતો.
અમદાવાદના ગુલબાઇ ટેકરામાં મોટી સંખ્યામાં કારીગરો બાપાની મૂર્તિ બનાવી તેના શણગાર સજાવવાનું કામ કરે છે. અહીં ભક્તો વ્યાપક પ્રમાણમાં ઉમટી પડી ગણેશજીની મૂર્તિની ખરીદી કરે છે. વડાપ્રધાન મોદીએ પોતાની છેલ્લી મન કી બાતમાં લોકોએ ગણેશજીની માટીની મૂર્તિ પધરાવી પર્યાવરણનો બચાવ કરવાની અપીલ કરી હતી. જેને ધ્યાનમાં લઇને લોકોએ આ વખતે ગણપતીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લાવવાનું પસંદ કરી છે.
સમગ્ર શહેરમાં આવેલા પંડાલમાં વિવિધ પ્રકારની મૂર્તિઓ જોવા મળી રહી છે. શ્રીજીની પ્રસાદમાં મોદક સિવાય મીઠાઇ, ચોકલેટ, સહિતની વિવિધ સામગ્રી રાખવામાં આવી રહી છે. અમદાવાદ કોર્પોરેશને પણ ગણેશજીના વિસર્જન માટે સાબરમતી નદી કિનારે અલગ કુંડની વ્યવસ્થા કરી છે જેથી નદીને દુષિત થતી બચાવી શકાય.