નવી દિલ્હી: ઑસ્કફોર્ડ-એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડ વેક્સિન (Covishield Vaccine)ના બે ડોઝની વચ્ચેનું અંતર વધારીને 12 થી 16 અઠવાડિયા કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય રસીકરણ તકનિકી સલાહકાર સમૂહે (NTAGI) કોરોના એન્ટી કોવિશિલ્ડ રસીના બે ડોઝ વચ્ચે વર્તમાન 6-8 સપ્તાહનો ગેપ વધારીને 12-16 સપ્તાહ કરવાની ભલામણ કરી હતી. જેને સ્વીકાર કરી લીધી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને આ વાતની જાણકારી આપી હતી. 


આરોગ્ય મંત્રીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, "કોવિશિલ્ડ રસીના બે ડોઝ વચ્ચેનું અંતર 6 થી 8 અઠવાડિયાથી વધારીને 12 થી 16 અઠવાડિયા કરવામાં આવ્યું છે. આ નિર્ણય કોવિડ વર્કિંગ ગ્રૂપ દ્વારા કરવામાં આવેલી ભલામણોના આધારે લેવામાં આવ્યો છે. "



ભલામણમાં શું કહેવામાં આવ્યું ? 


NTAGIએ કોવિડ -19 એન્ટી-કોવિશિલ્ડ રસીના બે ડોઝ વચ્ચેનું અંતર વધારીને 12-16 અઠવાડિયા કરવાની ભલામણ કરી હતી. કોવાક્સિનના ડોઝ વચ્ચેના અંતરાલમાં કોઈ ફેરફાર કરવાની ભલામણ કરવામાં આવી નથી.


NTAGIએ કહ્યું હતું કે, સર્ગભા સ્ત્રીઓને કોઈપણ રસી લેવાનો વિકલ્પ આપી શકાય છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, એનટીએજીઆઈએ એમ પણ કહ્યું હતું  કે, જેમણે કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે અને તપાસમાં તેમને સાર્સ-સીઓવી -2 થી સંક્રમિત થવાની પુષ્ટી થઈ છે, તેઓને સાજા થયા બાદ છ મહિના સુધી રસીકરણ કરવું જોઈએ નહીં. 


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,62,727 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4120 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,52,181 લોકો ઠીક પણ થયા છે. 
કુલ કેસ-  બે કરોડ 37 લાખ 03 હજાર 665
કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 97 લાખ 34 હજાર 823
કુલ એક્ટિવ કેસ - 37 લાખ 10 હજાર 525
કુલ મોત - 2 લાખ 58 હજાર 317


17 કરોડથી વધારેને રસી અપાઈ


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 17 કરોડ 72 લાખ 14 હજાર 256 ડોઝ આપવામાં આવ્યા છે.


આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ


સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.


 કેટલા સેમ્પલનું થયું ટેસ્ટિંગ


ICMR ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 30,94,48,585 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 12 મે ના રોજ 18,64,594 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. જ્યારે 11 મેના રોજ 19,83,804 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું હતું.  આમ એક જ દિવસમાં 1,19,210 સેમ્પલ ઘટાડવામાં આવ્યા હતા.