ગાઝિયાબાદઃ ગાઝિયાબાદના પોશ વિસ્તાર ઇંદિરાપુરમનો એક વીડિયો ન્યૂઝ એજન્સી એએનઆઈએ શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક શખ્સ ગાડીના બોનેટ પર લટકી રહ્યો છે અને ગાડી સ્પીડમાં દોડી રહી છે. આ ઘટનાનો વીડિયો બનાવવામાં આવી રહ્યો હોવા છતાં કાર ચાલક ગાડી અટકાવવાનું નામ નથી લઈ રહ્યો.

મળતી માહિતી મુજબ, ઇંદિરાપુરમમાં બે ગાડીઓની સામાન્ય ટક્કર થઈ હતી. જે બાદ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. પોલીસે કહ્યું કે, બંને ગાડીઓને સાઇડમાં લેવા કહ્યું હતું પરંતુ આ દરમિયાન લક્ઝરી કાર ચાલકે તેની કાર ભગાવવાનું શરૂ કર્યું હતું. બીજી કારવાળો વ્યક્તિ તેની પાસે જ ઉભો હતો અને તે કારના બોનેટ પર લટકી ગયો. તેણે ગમે તેમ કરીને કારને રોકાવવાનો પ્રયાસ શરૂ કર્યો પરંતુ તેણે કાર થોભાવવાના બદલે દોડાવવા લાગ્યો અને યુવક બોનેટ પર લટકી રહ્યો. 2 કિલોમીટર જેટલો દૂર ગયા બાદ લોકોની મદદથી લક્ઝરી કાર ચાલક અટક્યો હતો અને તેમાં બેસેલા વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી હતી.