Goa Assembly Election 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગોવાના પ્રવાસ પર છે. દરમિયાન તેણે પણજીમાં મીરામાર બીચ પર ગોવા લિબરેશન ડેના અવસર પર આયોજીત સેલ પરેડ અને ફ્લાયપાસ્ટમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન મોદીએ આ અગાઉ ગોવાના પણજીમાં આઝાદ મેદાનમાં શહીદ સ્મારક પર શહિદોને શ્રદ્ધાંજલિ આપી હતી.  વડાપ્રધાન મોદીએ ગોવા મુક્તિ દિવસના અવસર પર કહ્યું કે ગોવાની ધરતી પર આવીને ખુશ છું. આપણી સામે આજે સંઘર્ષ અને બલિદાનની ગાથાઓ છે. લાખો ગોવા વાસીઓના પરિશ્રમ અને લગનનું જ પરિણામ છે જેના કારણે આપણે લાંબુ અંતર પાર પાડ્યું છે.






તેમણે કહ્યું કે ગોવા પોતાની મુક્તિની  ડાયમંડ જ્યુબલી મનાવી રહ્યું છે. આ એક સંયોગ છે કે ગોવાની આઝાદીની ડાયમંડ જ્યુબલી આઝાદીના અમૃત મહોત્સવ સાથે ઉજવાઇ રહી છે. ગોવાની હવા, ધરતી અને દરિયાને પ્રકૃતિનું વરદાન છે. ગોવા એક એવા સમયે પોર્ટુગલના તાબામાં હતો જ્યારે દેશના અન્ય મોટાભાગના સ્થળો પર મોગલોની સલ્તનત હતી. ત્યારબાદ અનેક રાજકીય તોફાનો આવ્યા, અનેક સત્તાઓ આવી અને ગઇ. ગોવાના લોકોએ મુક્તિ અને સ્વરાજ માટે આંદોલનને રોકવા ના દીધું. તેમણે ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી આઝાદીની લૌને સળગાવીને રાખી.






વડાપ્રધાને કહ્યું કે ભારત એક એવો ભાવ છે જ્યાં રાષ્ટ્ર સ્વથી ઉપર આવે છે. સર્વોપરિ હોય છે. જ્યાં એક જ મંત્ર હોય છે. રાષ્ટ્ર પ્રથમ. જ્યાં એક જ સંકલ્પ હોય છે. એક ભારત, શ્રેષ્ઠ ભારત. જો સરદાર વલ્લભભાઇ પટેલ કેટલાક વધુ વર્ષો જીવિત રહેતા તો ગોવાએ પોતાની આઝાદી માટે વધુ સમય સુધી રાહ જોવી પડી ના હોત.ગોવાએ તમામ વિચારોને શાંતિની સાથે વિકસવા દીધા. તેણે ભારતમાં તમામ ધર્મો અને  સંસ્કૃતિઓને સમૃદ્ધ થવા દીધા.


વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું થોડા સમય અગાઉ વેટિકન સિટીમાં પોપ ફ્રાન્સિસને મળ્યો હતો. ભારત માટે તેમની ભાવનાઓ કોઇનાથી ઓછી નથી. મે તેમને ભારત આવવા માટે આમંત્રિત કર્યા હતા. આમંત્રણ બાદ તેમણે મને કહ્યું કે આ સૌથી મોટી ભેટ છે જે તમે મને આપી છે. આ આપણી વિવિધતા અને જીવંત લોકતંત્ર માટે તેમનો પ્રેમ છે.