નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીએ ક્રિકેટના ભગવાન ગણાતા ભારતના પૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકરને વિશ્વનો સૌથી શ્રેષ્ઠ બેટ્સમેન ગણાવ્યો હતો. ઉપરાંત દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર જેક કાલિસને મહાન પૂર્ણ ક્રિકેટર કહ્યો હતો. બ્રેટ લીએ ઝિમ્બાબ્વેના પૂર્વ ફાસ્ટબોલર પોમી બાંગ્વા સાથે ઈન્સ્ટાગ્રામ લાઇવ ચેટ કરતી વખતે આમ જણાવ્યું હતું.

લીએ કહ્યું, જ્યારે તમે સચિન અંગે વિચારો છો ત્યારે તેમારી પાસે ઘણો સમય હતો તેમ લાગે છે. ક્રિકેટમાં સમયને સમજવાનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ સતિન છે. તે રિટર્ન ક્રિઝ પર સ્ટંપ નજીક બેટિંગ કરતો હોય તેમ લાગે છે. એવું લાગતું હતું કે તેની પાસે ઘણો સમય છે, મારી નજરમાં તે વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે.

તેણે એમ પણ કહ્યું, સચિન બાદ લારાનો નંબર આવે છે. તે આક્રમક બેટ્સમેન છે. તમે ગમે તેટલી ફાસ્ટ બોલિંગ કરો તો પણ મેદાનના વિવિધ ખૂણામાં છગ્ગા મારશે. જ્યારે તમે મહાન બેટ્સમેનોની વાત કરો તો લારા અને સચિન ઘણા નજીક છે. મારી દ્રષ્ટિએ સચિન સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે, પરંતુ કાલિસ સંપૂર્ણ ક્રિકેટર છે.