અમરેકિાએ કેટલાક વિદેશી કર્મચારીઓને ફરીથી H-1B વિઝાની અરજી રજૂ કરવા માટે મંજૂરી આપી છે. જો કે ફેડરલ એજન્સીના જણાવ્યા અનુસાર ભારતીય આઈટી વ્યાવસાયિકોમાં સૌથી વધુ માગ ધરાવતા આ નોન ઈમિગ્રંટ વિઝાની અરજી પ્રારંભિક રજિસ્ટ્રેશન સમયના આધારે રદ કરાઈ હોય તેવા વ્યાવસાયિકોને જ ફરીથી H-1B વિઝા અરજી કરવા મંજૂરી આપવામાં આવી છે.


H-1B વિઝા અમેરિકન કંપનીઓને વિશેષ કામગીરી માટે વિદેશી ટેક્નિકલ નિષ્ણાંતોને નોકરી પર રાખવા સક્ષમ બનાવે છે. યુએસ સિટિઝન એંડ ઈમિગ્રેશન સર્વિસીસના જણાવ્યા મુજબ જે વ્યાવસાયિકોની અરજીઓ એક ઓક્ટોબર 2020 પછી રજુ થવાના કારણે રદ કરાઈ હોય તેવા વિદેશી વ્યાવસાયિકોને ફરીથી અરજી કરવા મંજૂરી અપાઈ છે. જો કે આ વ્યાવસાયિકોએ એક ઓક્ટોબર 2021 પહેલા ફરીથી અરજી કરવાની રહેશે. તેમની અરજીઓ યોગ્ય રીતે રજુ કરાશે તો  અમે રિસિપ્ટ તારીખે અરજી દાખલ કરાઈ હોવાનું ધ્યાનમાં લઈશુ.


અમેરિકામાં પાવરફુલ યુએસ ચેમ્બર્સ ઓફ કોમર્સે સ્કીલ્ડ અને વ્યાવસાયિક કર્મચારીઓની તીવ્ર અછત પૂરી કરવા અભિયાન હાથ ધર્યા પછી સરકારે નિર્ણય લીધો છે. યુએસ ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા એચ-૧બી ક્વોટાની માગ વધી છે, જે હાલમાં ૬૫,૦૦૦ અને અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કરનારા અન્ય ૨૦,૦૦૦ છે.


યુએસસીઆઈએસ મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૧ માટે પ્રારંભિક ફાઈલિંગ સમય દરમિયાન દાખલ અરજીઓની સંખ્યા અંદાજ કરતાં ઓછી છે અને તેને આઁકડાકીય ફાળવણી સુધી પહોંચાડવી જરૂરી છે. નાણાકીય વર્ષ ૨૦૨૧માં અમેરિકાએ સૌપ્રથમ વખત ઈલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન પ્રક્રિયા અમલમાં મૂકી હોવાથી પણ આ વર્ષે અરજીઓની સંખ્યા ઘટી હોવાનું મનાય છે.


અમેરિકાની આઇટી કંપનીઓ ભારત અને ચીનમાંથી મોટા પ્રમાણમાં આઇટી પ્રોફેશનલોને એચ-૧બી વિઝા હેઠળ નોકરી પર રાખે છે. હાલમાં અમેરિકા દર વર્ષે ૬૫,૦૦૦ વિદેશી કર્મચારીઓને એચ-૧બી વિઝા આપે છે. આ ઉપરાંત અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કરેનારા વિદેશીઓ માટે અલગથી ૨૦,૦૦૦ એચ-૧બી વિઝા ઇશ્યુ કરવામાં આવે છે.