Qatar  Row: મધ્ય પૂર્વના દેશ કતરમાં ભારતીય નૌકાદળના 8 ભૂતપૂર્વ અધિકારીઓને આપવામાં આવેલી ફાંસીની સજા સામે કેન્દ્ર સરકારે અપીલ દાખલ કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે પત્રકાર પરિષદમાં આ માહિતી આપી. 26મી ઓક્ટોબરે કતરની અદાલતે નૌકાદળના 8 ભૂતપૂર્વ અધિકારીઓને ફાંસીની સજા સંભળાવી હતી. કતરે આ તમામ પર ઈઝરાયલ માટે જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો હતો. કતરની ગુપ્તચર એજન્સીના રાજ્ય સુરક્ષા બ્યુરોએ 30 ઓગસ્ટ 2022ના રોજ ભારતીય નૌકાદળના 8 ભૂતપૂર્વ અધિકારીઓની ધરપકડ કરી હતી. જો કે, ભારતીય દૂતાવાસને સપ્ટેમ્બરના મધ્યમાં તેની ધરપકડની જાણ કરવામાં આવી હતી.


 






કતરમાં જેલમાં બંધ ભારતીયોની મુક્તિ પર બાગચીએ કહ્યું કે, " જે કોર્ટે ચુકાદો આપ્યો હતો, તે જજમેન્ટ સિક્રેટ છે. ચુકાદાનો અહેવાલ કાનૂની ટીમને આપવામાં આવ્યો છે. અમે અપીલ દાખલ કરી છે. અમે કતર દૂતાવાસના સતત સંપર્કમાં છીએ. અમને વધુ એક કોન્સ્યુલર એક્સેસ મળી છે. અમે તે બધાના પરિવારના સંપર્કમાં પણ છીએ. અમે તેમને તમામ મદદ કરીશું. આ એક સંવેદનશીલ બાબત છે. આમાં કોઈ અટકળો ન લગાવવી જોઈએ.


આ છે ભારતીયોના નામ 
કતરમાં મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવેલા 8 પૂર્વ નૌસેના અધિકારીઓના નામ છે - કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કમાન્ડર સુગ્નાકર પકાલા, કમાન્ડર સંજીવ ગુપ્તા, કમાન્ડર અમિત નાગપાલ અને નાવિક રાગેશ. આ તમામ કતરમાં દહરા ગ્લોબલ ટેક્નોલોજીસ એન્ડ કન્સલ્ટન્સી નામની ખાનગી કંપનીમાં કામ કરતા હતા. આ કંપની સંરક્ષણ સેવાઓ પૂરી પાડે છે. ઓમાન એરફોર્સના નિવૃત્ત સ્ક્વોડ્રન લીડર ખામિસ અલ અજામી તેના ચીફ છે. તેની પણ 8 ભારતીય નાગરિકો સાથે ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ નવેમ્બરમાં તેને છોડી દેવામાં આવ્યા હતા.


અરિંદમ બાગચીએ બીજું શું કહ્યું?
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ અન્ય ઘણી બાબતોની માહિતી આપી હતી. પાકિસ્તાન દ્વારા સીમા પર ગોળીબાર પર તેમણે કહ્યું, આ પ્રકારની ઘટનાઓ હંમેશા પાકિસ્તાન સાથે ઉઠાવવામાં આવે છે કારણ કે તે યુદ્ધવિરામનું ઉલ્લંઘન છે. આ પહેલા જે ઘટના બની હતી તે બીએસએફ ફ્લેંગ મીટિંગમાં ઉઠાવવામાં આવી હતી.