નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે ભારત બચાઓ રેલી દરમિયાન સાવરકરને લઈ કરેલા નિવેદન બાદ શરૂ થયેલો વિવાદ શાંત પડવાનું નામ લેતો નથી. ભાજપ, શિવસેનાએ આ મુદ્દે આકરી ઝાટકણી કરી છે, જે બાદ હવે વીર સાવરકરના પૌત્રએ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કરવાની વાત કરી છે.

વીર સાવરકરના પૌત્ર  રંજીત સાવરકરે કહ્યું, હું આ મુદ્દે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરીશ. કોઈએ વીર સાવરકર વિશે અપમાનજક શબ્દો ન બોલવા જોઈએ. સરકારે રાહુલ ગાંધી વિરુદ્ધ ગુનાહિત કાર્યવાહી કરવી જોઈએ. હું રાહુલ ગાંધીની સામે માનહાનિનો કેસ દાખલ કરીશ.


શું કહ્યું હતું રાહુલ ગાંધીએ?

દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત ભારત બચાઓ રેલીને સંબોધન કરતા શનિવારે રાહુલ ગાંધીએ કહ્યું, આટલા નાના મેદાનમાં આટલા બધા લોકો કઈ રીતે ઉભા કરી દિધા. તેમણે કહ્યું અમારા કૉંગ્રેસ કાર્યકર્તા કોઈનાથી ડરતા નથી. એક ઈંચ પાછળ નથી હટતા. રાહુલ ગાંધી બોલ્યા એ લોકોએ મને કહ્યું માફી માંગો. માફી માંગુ, મારુ નામ રાહુલ સાવરકર નથી, મારુ નામ રાહુલ ગાંધી છે. હું મરી જઈશ પણ માફી નહી માંગુ. માફી નરેંદ્ર મોદીને માંગવાની છે. નરેંદ્ર મોદીએ દેશી માફી માંગવી જોઈએ. અમિત શાહે દેશની માફી માંગવી જોઈએ.  રાહુલ ગાંધીના આ નિવેદનને લઈ ભારતીય જનતા પાર્ટીએ તેના પર પલટવાર કર્યો હતો.

રાહુલ 100 જન્મ લેશે તો પણ સાવરકર નહીં બની શકેઃ સંબિત પાત્રા

ભાજપ નેતા સંબિત પાત્રાએ કહ્યું, રાહુલ ગાંધી 100 જન્મ લેશે તો પણ સાવરકર નહીં બની શકે. સાવરકર વીર હતા, દેશભક્ત હતા અને બલિદાની હતી. રાહુલ ગાંધી કલમ 370, સર્જિકલ સ્ટ્રાઇક અને સીએબી પર પાકિસ્તાનની ભાષા બોલે છે. તેઓ વીર ન હોઈ શકે, સાવરકરની બરાબર પણ ન હોઈ શકે.

સાવરકરનું અપમાન ન કરો, બુદ્ધિશાળી લોકોને વધારે જણાવવાની નથી જરૂરઃ સંજય રાઉત

શિવસેનાએ રાહુલ ગાંધીનું નામ લીધા વગર સાવરકરનું અપમાન ન કરવાની સલાહ આપી છે. શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે મરાઠીમાં ટ્વિટ કર્યું, અમે પંડિત નેહરુ, મહાત્મા ગાંધીને પણ માનીએ છીએ. તમે વીર સાવરકરનું અપમાન ન કરો, બુદ્ધિશાળી લોકોને વધારે જણાવવાની જરૂર નથી.