ચંદીગઢ: હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે આજે ચૂંટણી ઢંઢોરો જાહેર કર્યો હતો. હરિયાણા પ્રભારી ગુલામ નબી આઝાદે કહ્યું કે, સરકાર બન્યા પછી સૌથી પહેલાં 24 કલાકમાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે, કુદરતી આફતના કારણે પાક ખરાબ થતાં એકર દીઠ રૂ. 12,000 વળતર આપવામાં આવશે. અમે વચન બદ્ધ છીએ. જે કહ્યા છે તે તમામ વાયદાઓ પૂરા કરીશું.


કોંગ્રેસે તેમના મેનિફેસ્ટોમાં મહિલાઓને સરકારી નોકરીમાં 33 ટકા આરક્ષણ આપવાનો વાયદો પણ કરવામાં આવ્યો છે. 300 યૂનિટ પ્રતિમાસ સુધી વીજળી ફ્રી આપવાનો વાયદો કૉંગ્રેસે કર્યો છે. તેમજ જો 300 કરતા વધારે યૂનિટ થશે તો અડધો રેટ લગાડવાની વાત કરવામાં આવી છે. દરેક સરકારી સંસ્થામાં મફતમાં વાઈ-ફાઈ ઝોન બનાવવામાં આવશે. અધ્યાપક ભરતી માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવશે.

પોસ્ટ ગ્રેજ્યુએટ યુવકોને માસિક રૂ. 10,000નું ભથ્થુ આપવામાં આવશે. રાજ્યના દરેક જિલ્લામાં એક યુનિવર્સિટી અને મેડિકલ કોલેજ બનાવવામાં આવશે. પહેલાથી દસમાં ધોરણના દલિત અને પછાત વિદ્યાર્થીઓને રૂ. 12 હજાર અને 11માં ધોરણના વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ. 15 હજાર સ્કોલરશીપ આપવામાં આવશે. કોંગ્રેસના ચંદીગઢ કાર્યાલયમાં થયેલા આ કાર્યક્રમમાં ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, કુમારી શૈલજા અને કિરણ ચૌધરી પણ હાજર રહ્યા હતા.