નવી દિલ્હીઃ હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર સરકારે વધુ એક ફતવો જાહેર કર્યો  હતો. જેને કારણે આખા દેશમાં ખટ્ટર સરકારની ટીકા થઇ રહી છે. વાસ્તવમાં હરિયાણાની બીજેપી સરકારને આદેશ આપ્યો છે કે રાજ્યના તમામ ખેલાડીઓએ જાહેરાતો અને પ્રોફેશનલ સ્પોર્ટ્સ મારફતે  થતી કમાણીમાંથી 33 ટકા હિસ્સો હરિયાણા સ્પોર્ટ્સ કાઉન્સિલમાં જમા કરાવવાની રહેશે. જો કે, આ નિર્ણયના કારણે રાજ્ય સરકારની ચારે બાજુ ભારે ટીકા થઈ રહી છે. જેના બાદ આગામી સૂચના મળે ત્યાં સુધી આ નિર્ણય પર તાત્કાલિક પ્રભાવથી રોક લગાવી દીધી છે અને આદેશ પરત ખેંચ્યો છે.


સરકારનું કહેવું છે કે આ ફંડનો ઉપયોગ રાજ્યમાં રમતોના વિકાસ પર ખર્ચ કરવામાં આવશે. તે સિવાય આદેશમાં કહ્યું હતું કે, જે ખેલાડીઓને નોકરી મળી છે તે હવેથી રજા પર જશે તો તેમનો પગાર કાપી લેવામાં આવશે. જો કોઇ ખેલાડી સરકારની મંજૂરી વિના કોઇ કંપની સાથે જાહેરાતનો કરાર કરે છે અથવા પ્રોફેશનલ સ્પોર્ટ્સમાં ભાગ લે છે તો તેનાથી થનારી તમામ કમાણી સરકારના ખજાનામાં જમા કરાવવાની રહેશે.

ખટ્ટર સરકારનો આ આદેશ 30 એપ્રિલના રોજ નોટિફિકેશન મારફતે જાહેર કરાયો હતો. નોંધનીય છે કે હરિયાણામાં એવા અનેક ખેલાડીઓ છે જેમણે ઓલિમ્પિક સહિત અન્ય ટુનામેન્ટમાં ભારતનું નામ રોશન કર્યું છે. જેમાં બોક્સર વિજેન્દ્ર સિંહ, રેસલર સુશીલ કુમાર, યોગેશ્વર દત, બબીતા ફોગટ, ગીતા ફોગટ સહિતના ખેલાડીઓનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે પોતાના કાર્યકાળ દરમિયાન હરિયાણાની ખટ્ટર સરકાર અનેક નિર્ણયોને કારણે વિવાદમાં રહી છે. તાજેતરમાં જ જાહેરમાં નમાજ અદા કરવાને કારણે થયેલા વિવાદ બાદ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું હતું કે, નમાજ સાર્વજનિક સ્થળો પર નહી પરંતુ મસ્જિદ અથવા ઇદગાહમાં પઢવી જોઇએ.