પહાડી રાજ્યો સહિત સમગ્ર ઉત્તર પશ્ચિમ, ઉત્તર અને પૂર્વ ભારત ભારે ગરમીની ઝપેટમાં છે. જમ્મુથી લઈને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સુધીના મેદાની વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે. હવામાન વિભાગે પંજાબ અને હરિયાણા સહિત 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આગામી ચારથી પાંચ દિવસ માટે હીટ વેવનું એલર્ટ જાહેર કર્યું છે. આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન 44 થી 47 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે. પાંચ દિવસ પછી કેટલાક વિસ્તારોમાં પ્રિ-મોન્સુન વરસાદથી ગરમીથી થોડી રાહત મળી શકે છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, જમ્મુ-કાશ્મીરના જમ્મુ વિભાગ, હિમાચલ પ્રદેશના મેદાની અને ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, ઉત્તરના મેદાની વિસ્તારોમાં વધુ ચારથી પાંચ દિવસ સુધી ભારે ગરમી રહેશે. આ સિવાય ઉત્તર રાજસ્થાન, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળના ગંગા કાંઠાના વિસ્તાર અને ઉત્તર ઓડિશામાં ઓછામાં ઓછા પાંચ દિવસ સુધી હિટ વેવ યથાવત રહેશે. આ રાજ્યોમાં કેટલાક વિસ્તારોમાં હિટ વેવની શક્યતા છે. લોકોને જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગે જણાવ્યું કે છેલ્લા 24 કલાક દરમિયાન આ વિસ્તારોમાં ભારે હિટ વેવ હતી અને તાપમાનનો પારો 44 થી 47 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન બિહારના બક્સરમાં સૌથી વધુ 47.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી પારો 44 ડિગ્રીની આસપાસ રહ્યો છે. શુક્રવારે દિલ્હી-એનસીઆરના કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ અને ઝરમર વરસાદ પડ્યો હતો, પરંતુ ગરમીથી રાહત આપવાને બદલે આનાથી ભેજમાં વધારો થયો હતો.
શિમલામાં 10 વર્ષ બાદ તાપમાન 31
હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં શુક્રવારે 10 વર્ષ બાદ મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અગાઉ વર્ષ 2014માં જૂન મહિનામાં મહત્તમ તાપમાન 31.4 ડિગ્રી નોંધાયું હતું.
ઉત્તર બંગાળમાં પૂરની ચેતવણી
ભારે વરસાદ પછી તિસ્તા નદીમાં પૂરની સ્થિતિને જોતા પશ્ચિમ બંગાળના સિંચાઈ વિભાગે શુક્રવારે રાજ્યના ઉત્તર જલપાઈગુડી, દાર્જિલિંગ અને કલિમપોંગ જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે. સિક્કિમના ડેમમાંથી તિસ્તા નદીમાં પાણી છોડવાને કારણે ઉત્તર બંગાળમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સિંચાઈ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે પૂરની સ્થિતિનો સામનો કરવા માટે તમામ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.