દેશમાં ચોમાસુ સક્રિય થતા જ ઉત્તર ભારતમાં વરસાદી તાંડવ શરૂ થયો છે. હિમાચલ, ઉત્તરાખંડ, કાશ્મીરમાં અતિભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. શિમલા, કુલ્લુ, મનાલી, કાશ્મીરનો ખીણ પ્રદેશ, બદ્રીનાથ જેવા વિસ્તારોમાં નદીઓના જળસ્તર વધ્યા છે. તો કેટલાક સ્થળો પર ભૂસ્ખલન થતા અનેક હાઈવેને જોડતા રસ્તાઓ બંધ થયા છે.


લેહ-મનાલી, ઔટ-લહૂરી-રામપુર હાઈવે અને શિમલા-કિન્નોર હાઈવે લેંડ સ્લાઈડને કારણે બંધ થયો છે. શિમલામાં ઝાકરી અને રામપુરથી પસાર થતો નેશનલ હાઈવે બ્લોક કરવામાં આવ્યો છે. કુલ્લુમાં શિમલાને જોડતા રસ્તા બંધ થઈ ગયા છે. તે ઉપરાંત પ્રવાસોના વાહનો, જીવનજરૂરીયાતની વસ્તુઓ લાવતા વાહનો અને નગર નિગમની બસો પણ ફસાઈ ગઈ છે. હાઈવે પર હજારો ગાડીઓનો ચક્કાજામ થયેલો છે. ધોધમાર વરસાદને લીધે બિયાર, પાર્વતી, સરવરી ખડ્ડ જેવી નદીઓ તોફાની બની છે.


એટલુ જ નહી હિમાચલ, ઉત્તરાખંડ અને કાશ્મીરમાં પ્રવાસે ગયેલા હજારો પ્રવાસીઓ ધોધમાર વરસાદ વરસતા ફસાયા છે. રવિવારે હિમાચલ અને કાશ્મીરમાં આભ ભાટતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હિમાચલના ધર્મશાલા અને કાશ્મીરમાં આભ ફાટવાની ઘટના બાદ નદીઓના જળસ્તરમાં વ્યાપક વધારો થયો છે.


કુલ્લુની સરવરી નદી ઉછાળા મારી રહી છે. બંન્ને રાજ્ય સરકારોએ તાકીદે મોટી નદીઓના કિનારે આવેલા ગામોને ખાલી કરાવીને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. નદીઓનું પાણી રહેણાંક વિસ્તારમાં ઘુસી ગયું છે. હિમાચલ પ્રદેશમાં સ્થિતિ વધુ વણસેલી છે. આ સ્થિતિને જોતા પ્રધાનમંત્રી મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે પણ રાજ્યના અધિકારીઓ પાસેથી અહેવાલ મંગાવ્યા છે. અને જરૂરી તમામ સંભવ મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.


ગુજરાતમાં વરસાદની આગાહી


રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસના વિરામ બાદ ચોમાસું ફરી જામ્યું છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના મતે આજે સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દમણ, દીવમાં અતિભારે વરસાદ પડશે. તો ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, નર્મદા અને તાપીમાં ભારે વરસાદ પડી શકે છે.


આવતીકાલે સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ,દીવમાં અતિભારે તો પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, નર્મદા, ભરૂચ, ડાંગ, કચ્છ, અમરેલી, બોટાદ, ભાવનગરમાં ભારે વરસાદ વરસી શકે છે.


જ્યારે ગુરુવારે  પણ વરસાદી માહોલ યથાવત રહેશે. પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, દીવમાં અતિ ભારે અને બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં ભારે  વરસાદ પડી શકે છે. રાજ્યમાં અત્યારસુધી ૫.૮૫ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૧૭.૭૦ ટકા વરસાદ નોધાઇ ચૂક્યો છે. રાજ્યના ૩૬ તાલુકા એવા છે જ્યાં ૯.૮૮થી ૧૯.૬૮ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.