દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ ધોધમાર વરસાદે કહેર વર્તાવ્યો છે. માયાનગરમાં વરસેલા મુશળધાર વરસાદથી અલગ અલગ દુર્ઘટનાઓમાં 25થી વધુ લોકોના મૃત્યુ નિપજ્યા છે. સાથે જ અનેક સ્થળો પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવેને પણ ભારે વરસાદને લીધે ટ્રેન સેવાઓ થોડા સમય માટે સ્થગિત કરવાની ફરજ પડી હતી.


મુંબઈના માહુલ વિસ્તારના વાસી નાકા પાસે મોડી રાતે એક વૃક્ષ ધરાશાયી થતા તેની નજીક આવેલ એક મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી. જેમાં સાત લોકો ઘાયલ થયા હતા. તો વિક્રોલીમાં મોડી રાતે થયેલા ભુસ્ખલનથી છ કાચા મકાનો ધરાશાયી થતા સાત લોકોના જીવ ગયા છે. તો બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.


ભાંડુપમાં પણ વન વિભાગ પરિસરની દિવાલ ધરાશાયી થતા એક યુવાનનું મોત નિપજ્યું છે. ભારતીય હવામાન વિભાગે ભારે વરસાદને પહલે મુંબઈ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.


મુંબઈમાં વરસેલા ધોધમાર વરસાદ અને દિવાલ ધરાશાયી થવાની દુર્ઘટનાઓમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે પ્રધાનમંત્રી મોદીએ પણ દુખ વ્યક્ત કર્યુ. અને મૃતકોના પરિવારજનોને બે બે લાખ અને ઘાયલોને 50-50 હજારનું વળતર આપવાની જાહેરાત કરી.


રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ મુંબઈમાં વરસેલા વરસાદથી મૃત્યુ પામેલાને શ્રદ્ધાંજલિ પાઠવી. તો મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.


આદિત્ય ઠાકરેએ ટ્વીટ કરીને જણાવ્યું કે શનિવાર-રવિવાર રાત્રે મુંબઈમાં ભારે વરસાદ થયો છે. કેટલાંક વિસ્તારોમાં 3 કલાકમાં જ 200 મીલીમીટરથી વધુ વરસાદ થયો છે. આ બધું વાદળ ફાટવાને કારણે થયું છે.






મુંબઈમાં દરવર્ષે ચોમાસામાં ભારે વરસાદ પડતો હોય છે, પરંતુ એક જ રાતમાં આટલા મોટા પ્રમાણમાં વરસાદ પડશે તેની કોઈએ કલ્પના નહીં કરી હોય. છેલ્લા 3 દિવસમાં મુંબઈમાં 750 મિલીલીટર વરસાદ પડ્યો હતો જેમાં શુક્રવારે 253, શનિવારે 235 અને રવિવારે મોડી રાતથી 270 મિલીલીટર વરસાદ પડી ચૂક્યો છે.