Hemant Soren News:: EDએ સોમવારે (29 જાન્યુઆરી) દિલ્હીમાં ઝારખંડના સીએમ હેમંત સોરેનના ત્રણ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. EDએ જે ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા તેમાં ઝારખંડ ભવન, હેમંત સોરનના નિવાસસ્થાન શાંતિ નિકેતન પેલેસ અને મોતીલાલ નેહરુ માર્ગનો સમાવેશ થાય છે. EDની ટીમ હેમંત સોરેનની BMW કારને પોતાની સાથે લઈ ગઈ હતી. EDએ કારમાંથી કેટલાક દસ્તાવેજો રિકવર કર્યા છે. આ ટીમ દિલ્હીમાં સીએમ સોરેનના ઘરેથી રવાના થઈ હતી. સોમવારે સવારે 7 વાગ્યે EDની ટીમ હેમંત સોરેનના ઘરે પહોંચી હતી પરંતુ મુખ્યમંત્રી ઘરે મળ્યા ન હતા. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર આ કાર બેનામી પ્રોપર્ટીમાંથી ખરીદવામાં આવી હતી. EDનો દાવો છે કે તેઓ અત્યાર સુધી હેમંત સોરેન સાથે કોઈ સંપર્ક કરી શક્યા નથી. EDની ટીમ હજુ પણ એરપોર્ટ પર હાજર છે.






બંધારણીય સંસ્થાઓનો દુરુપયોગ- JMM


દરમિયાન હેમંત સોરેનની પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, "બંધારણીય સંસ્થાઓનો દુરુપયોગ કરીને ઝારખંડમાં અરાજકતાનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે. જ્યારથી ઝારખંડમાં આદિવાસી યુવા મુખ્યમંત્રી હેમંતના સક્ષમ નેતૃત્વમાં ગઠબંધન સરકાર બની છે ત્યારથી કેન્દ્ર સરકાર અને ભાજપ દ્ધારા કોઇ પણ પ્રકારે કાવતરા રચીને સરકારને તોડી પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં તેમને દરેક વખતે હારનો સામનો કરવો પડ્યો છે. તમામ રાજકીય પ્રયાસોનો દુરુપયોગ કર્યા પછી હવે કેન્દ્ર સરકાર અને ભાજપે બંધારણીય સંસ્થાઓનો દુરુપયોગ કરી રહી છે.






ED અધિકારીઓને કેટલો સમય જોઈએ છે - JMM


પાર્ટીએ કહ્યું હતું કે  "20 જાન્યુઆરી, 2024ના રોજ મુખ્યમંત્રી હેમંત સોરેનની ED અધિકારીઓ દ્વારા કેમેરા પર સાત કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી જેમાં તેમણે પૂછવામાં આવેલા તમામ પ્રશ્નોના જવાબો રેકોર્ડ કર્યા હતા. છેલ્લા દોઢ મહિના દરમિયાન 12 ડિસેમ્બર 2023, 15 જાન્યુઆરી 2024 તથા આજે 29 જાન્યુઆરી 2024ના રોજ હેમંત સોરેન દ્વારા ઇડી ઓફિસને મોકલવામાં આવેલા પત્ર દ્વારા માહિતી આપવામાં આવી છે. આખરે સાડા ત્રણ કરોડની જનતા દ્વારા લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા મુખ્યમંત્રી પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. પરંતુ EDના અધિકારીઓને કેટલો સમય જોઈએ છે?પૂછપરછના ત્રણ-ચાર દિવસમાં ફરીથી સમન્સ જાહેર કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે ત્રણ-ચાર દિવસમાં ફરીથી જવાબ દાખલ કરવા માટે આવવું પડશે.મુખ્યમંત્રી તરીકે સ્વાભાવિક રીતે જ ત્રણથી ચાર અઠવાડિયાનું પૂર્વ-નિર્ધારિત કાર્યક્રમ હોય છે. વહીવટી જવાબદારીઓ સાથે તેઓએ રાજકીય જવાબદારીઓ પણ નિભાવવી પડશે."






મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ED અધિકારીઓએ સોરેનના દિલ્હીના નિવાસસ્થાનમાંથી કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો અને એક બીએમડબલ્યૂ કાર જપ્ત કરી છે. ઝારખંડ વિધાનસભામાં વિરોધ પક્ષ ભાજપે સીએમ હેમંત પર ભાગેડુ હોવાનો આરોપ લગાવ્યો છે.