નવી દિલ્હીઃ બોર્ડર પર છેલ્લા સાત વર્ષોમાં ફાયરિંગ અને સીઝફાયર ઉલ્લંઘનની કેટલી ઘટનાઓ થઇ છે આ સંબંધમાં તમામ જાણકારી સામે આવી છે. આ અંગે ગૃહમંત્રાલયે રિપોર્ટ આપ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષોમાં ક્રોસ બોર્ડર ફાયરિંગ અને સીઝફાયર ઉલ્લંઘનને 6942 ઘટનાઓ બની છે. આ ઘટનાઓમાં 90 સુરક્ષાકર્મી શહીદ અને 450 ઘાયલ થયા છે. આ જાણકારી ભારત સરકાર દ્ધારા એક્ટિવિસ્ટ ડો નૂતન ઠાકુરે આપી છે. તેમણે આ જાણકારી માંગી હતી. રિપોર્ટ અનુસાર, વર્ષ 2013થી ઓગસ્ટ 2019 વચ્ચે જમ્મુ કાશ્મીરના લાઇન ઓફ કંન્ટ્રોલ અને ઇન્ટરનેશનલ બોર્ડર પર 6942 ક્રોસ બોર્ડર ફાયરિંગ અને સીઝફાયર ઉલ્લંઘનની ઘટનાઓ બની છે. નૂતને 2013થી અત્યાર સુધીમાં પાકિસ્તાન દ્ધારા ઇન્ટરનેશનલ સરહદ પર કરવામાં આવેલા હુમલાઓ અને ફાયરિંગની જાણકારી માંગી હતી. ઘટનાઓમાં શહીદ અને ઘાયલ થયેલા સુરક્ષાકર્મીઓની જાણકારી માંગી હતી.
ગૃહમંત્રાલયે આરટીઆઇ અધિકારી સુલેખા દ્ધારા આપવામાં આવેલી જાણકારીમાં કહેવામાં આવ્યું છે કે આ સમયગાળા દરમિયાન સૈન્ય અને સીમા સુરક્ષા દળના 90 સુરક્ષાકર્મીઓ શહીદ થયા છે જ્યારે 454 ઘાયલ થયા છે. સૌથી વધુ 2140 ઘટનાઓ વર્ષ 2018માં થઇ હતી. જ્યારે ઓગસ્ટ 2019 સુધી 2047 અને વર્ષ 2017માં 971 હુમલાઓ થયા છે. વર્ષ 2013માં 347 અને વર્ષ 2014માં 583 હુમલાઓ થયા હતા.
સુરક્ષાકર્મીઓ માટે સૌથી ખરાબ વર્ષ 2018નું રહ્યું છે જેમાં 29 શહીદ તથા 116 ઘાયલ થયા હતા. વર્ષ 2016માં 112 સુરક્ષા જવાનો અને વર્ષ 2017 તથા 2019માં અત્યાર સુધીમાં 91 સુરક્ષા કર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. વર્ષ 2013માં 38 તથા 2014માં 33 સુરક્ષા કર્મી ઇજાગ્રસ્ત થયા હતા.