નવી દિલ્લીઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગના એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા હિઝબુલ મુજાહિદ્દીનનો ટોપ કમાંડર બુરહાન વાની પર 10 લાખ રૂપિયાનું ઇનામ હતું. બુરહાન વાની સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ હતો. તેણે અનેક યુવાઓને પોતાના ફેન બનાવ્યા હતા. પણ તમને જાણીને નવાઇ લાગશે તે પોતે ઇસ્લામિક પ્રચારક જાકિર નાઇકનો ફેન હતો. તેની પુષ્ટી તેના અંતિમ ટ્વિટ પરથી મળે છે, જેમાં તેણે જાકિર નાઇકનું સમર્થન કર્યું હતું.
સોશિયલ સાઇટ ટ્વિટર પર વર્ષ 2012માં બુરહાને @Gazi_Burhan2 નામથી એકાઉન્ટ બનાવ્યું હતું. બુરહાનને 371 લોકો ફોલો કરે છે. જ્યારે બુરહાન 119 લોકોને ફોલો કરતો હતો. પોતાના અંતિમ ટ્વિટમાં બુરહાને જાકિર નાઇકના સમર્થનની અપીલ કરી હતી. જોકે આ ટ્વિટર હેન્ડલ બુરહાન જ હેન્ડલ કરતો હતો તેને લઇને કોઇ પુષ્ટી કરવામાં આવી નથી. પોતાના ટ્વિટમા બુરહાને નાઇકની તસવીર સાથે જાકિર નાઇકને સપોર્ટ કરવાની અપીલ કરી હતી. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી સુરક્ષા એજન્સીઓ બુરહાનના સોશિયલ મીડિયાની એક્ટિવિટીઝ પર નજર રાખી રહી હતી.