નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલયે દેશભરમાં પોલીસ સ્ટેશનમાં મહિલા હેલ્પ ડેસ્કની સ્થાપના કરવા માટે નિર્ભયા ફંડમાંથી 100 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, મહિલા હેલ્પ ડેસ્ક પોલીસ સ્ટેશનને મહિલાઓ માટે વધુ અનુકુળ અને સરળતાથી પહોંચ યોગ્ય બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.


ગૃહ મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનમાં મહિલા હેલ્પ ડેસ્કની સ્થાપના અને તેને મજબૂત કરવા માટે નિર્ભયા ફંડમાંથી 100 કરોડ રૂપિયાની ફાળવણી કરવાની મંજૂરી અપાઇ છે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ આ કાર્યક્રમને લાગુ કરશે અને આ હેલ્પ ડેસ્ક પર મહિલા પોલીસ અધિકારીઓની તૈનાતી કરાશે. મહિલા હેલ્પ ડેસ્કના અધિકારીઓને મહિલાઓની સમસ્યાઓ સંવેદનશીલતા સાથે સાંભળવા માટે ટ્રેનિંગ આપવામાં આવશે. હેલ્પ ડેસ્ક પર  કાયદાકીય સહાયતા, પરામર્શ, પુનઃવસન અને ટ્રેનિંગ વગેરે માટે વકીલ, સાઇકોલોજીસ્ટ અને એનજીઓ જેવા નિષ્ણાંતોની પેનલને સામેલ કરવામાં આવશે.