Iran War: ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ શનિવારે (18 એપ્રિલ) હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા એક ભારતીય જહાજને અટકાવ્યું અને તેને તાત્કાલિક તેના બંદર પર પાછા ફરવાનો આદેશ આપ્યો. એક ઓડિયો રેકોર્ડિંગમાં ભારતીય જહાજના કેપ્ટન અને ઈરાની નૌકાદળના કેપ્ટન વચ્ચેની સમગ્ર વાતચીતનો રેકોર્ડિંગ છે.
ઈરાની (IRGC) ના એક અધિકારીએ ભારતીય જહાજના કેપ્ટનને સ્પષ્ટપણે કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા પર હજુ પણ પ્રતિબંધ છે અને તેઓએ તાત્કાલિક તેમના બંદર પર પાછા ફરવું જોઈએ. ત્યારબાદ ઈરાની અધિકારીએ કહ્યું, "તાત્કાલિક પાછા જાઓ."
ભારતીય કેપ્ટને પછી જવાબ આપ્યો, "ઠીક છે. હું આપની વાત રિપીટ કરૂ છું. હોર્મુઝ સ્ટ્રેટ હજુ પણ બંધ છે, ઠીક છે, સાહેબ." IRGC નેવી કેપ્ટને પછી જવાબ આપ્યો, "હા, સાહેબ."
ભાગ્ય લક્ષ્મી જહાજને પાછું ફેરવી દેવામાં આવ્યું.
થોડી જ વારમાં, જહાજે રસ્તો બદલી નાખ્યો. ભાગ્ય લક્ષ્મી જહાજના ક્રૂએ ઈરાની નૌકાદળ સાથે આખી વાતચીત શેર કરી. આ ઓડિયો રેકોર્ડિંગ પહેલા, ઈરાની ગનબોટ્સે ઈરાકી તેલ વહન કરતા બે ભારતીય ધ્વજવાળા જહાજો પર ફાયરિંગ કર્યું હતું. જોકે, આ અથડામણમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
આ સમગ્ર મામલે ભારત સરકારે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં ઈરાનના રાજદૂતને તલબ કર્યા છે. વિદેશ મંત્રાલયએ નવી દિલ્હીમાં ઈરાનના રાજદૂતને બોલાવીને તેમની સાથે ચર્ચા કરી. આ દરમિયાન ભારતના વિદેશ સચિવે સ્પષ્ટ રીતે પોતાની ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે શનિવારે હોર્મુઝ જળસંધિમાં ભારતીય ઝંડાવાળા 2 જહાજો પર થયેલી ફાયરિંગ ખૂબ જ ગંભીર બાબત છે.
વિદેશ સચિવે આ પણ યાદ અપાવ્યું કે અગાઉ ઈરાને ભારત જતાં જહાજને સુરક્ષિત માર્ગ આપવામાં મદદ કરી હતી. તેથી હવે પણ આશા છે કે ઈરાન સહકાર આપશે.
હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી બંધઈરાની એક અધિકારીએ જણાવ્યું હતું કે IRGC સાથે સંકલન કર્યા પછી જ બધા જહાજો પસાર થઈ શકશે. ઈરાની વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે લેબનોન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ કરાર બાદ આ માર્ગ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અરાઘચીના નિવેદન બાદ, હોર્મુઝ સ્ટ્રેટમાં શિપિંગ ટ્રાફિક વધ્યો, પરંતુ IRGC એ ઈરાની બંદરો પર અમેરિકાના આર્થિક નાકાબંધીના વિરોધમાં ફરીથી વ્યૂહાત્મક જળમાર્ગ બંધ કરી દીધો છે.
