રાજધાની દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં એક મહિલા મંજુ શ્રીવાસ્તવ અને તેની બે પુત્રીઓ અંકુ અને અંશીના મૃતદેહ તેમના જ ઘરમાંથી મળી આવ્યા છે. ઘટનાસ્થળેથી મળેલી સુસાઈડ નોટ અને સંજોગોવશાત્ પુરાવાના આધારે પોલીસ પ્રથમ દૃષ્ટિએ તેને સામૂહિક આત્મહત્યાનો કેસ માની રહી છે. સાથે જ તેમના ઘરમાં કામ કરતી મહિલાઓ અને નજીકમાં રહેતા લોકોએ ઘણી બધી વાતો કહી.


ત્રણેયના મૃતદેહ વસંત વિહાર વિસ્તારના એપાર્ટમેન્ટ નંબર 207માંથી મળી આવ્યા હતા. ઘરની સામે કપડાં પ્રેસ કરતા મણિલાલ કહે છે કે, આ લોકો કોઈની સાથે વાત કરતા નહોતા અને ક્યારેય બહાર પણ નહોતા નિકળતા. આ આત્મહત્યા અંગે તેમના ઘરે કામ કરતી કમલા કહે છે કે, હું મારી નાની છોકરી અંશી સાથે વાત કરતી હતી. તે ક્યારેક અમને કામ પર બોલાવતાં હતાં. પરમદિવસે અમને નાની દીકરી અંશીનો ફોન આવ્યો અને તેણીએ કહ્યું કે કરિયાણા વેચનારને કહો કે અમે આવતી કાલે એટલે કે શનિવારે પૈસા આપીશું અને દુકાનદારને કહો કે, પૈસા લેવા ઘરે ન આવે.


આ રીતે થયો ખુલાસોઃ
કમલાએ જણાવ્યું કે, શનિવારે જ્યારે કરિયાણાવાળો પૈસા લેવા ગયો ત્યારે અંદરથી કોઈ અવાજ આવતો નથી. જ્યારે કરિયાણાવાળાએ કમલાને આ વાત કહી ત્યારે સાંજે લગભગ 7 વાગે કમલાએ પુત્રને તેમના ઘરે મોકલીને તેની તપાસ કરાવી. જ્યારે કોઈ હલચલ સંભળાતી ન હતી, ત્યારે કમલા પોતે આવી અને તપાસ કરી અને પોલીસને જાણ કરી હતી


ઘરનો દરવાજો કૂતરા બિલાડીને દૂધ આપવા માટે જ ખુલતોઃ
કમલાએ જણાવ્યું કે, મંજુ શ્રીવાસ્તવ 12-13 વર્ષથી બેડ પર છે. 2021માં તેના પતિ ઉમેશ શ્રીવાસ્તવનું કોરોનાને કારણે મૃત્યુ થયું હતું. આ લોકો પરેશાન રહેતા હતા, પરંતુ એવું ન હતું કે આ લોકો ભૂખે મરતા હતા. જ્યારે પૈસાની જરૂર પડતી ત્યારે હું એ બધું લઈ આવતી હતી. અંશી થોડો દરવાજો ખોલીને કૂતરા બિલાડીને દૂધ પીવડાવતી અને ત્યારે જ આ ઘરનો દરવાજો ખુલતો. બાકીનો સમય દરવાજો બંધ હતો.


કોઈને સાથે મતલબ નહોતો રાખતાઃ
આ ઘરની સામે કાપડાં પ્રેસિંગની દુકાન ચલાવતા મણિરામ કહે છે કે, જ્યાં સુધી ઉમેશ શ્રીવાસ્તવ હતા ત્યાં સુધી તેઓ કોઈની પરવા કરતા ન હતા, બસ આવતા-જતા દેખાતા હતા. મણિરામ કહે છે કે જે પણ થયું છે તે ડિપ્રેશનમાં થયું છે. જ્યારે આવક ન હોય, ખોરાકનું કોઈ સાધન ન હોય, ત્યારે લોકો ડિપ્રેશનમાં રહે છે. જો કે આ મામલાની તપાસ હજુ ચાલુ છે. દિલ્હીની ફોરેન્સિક તપાસ ટીમે આજે બપોરે ઘરમાંથી તમામ પુરાવા એકત્ર કર્યા છે.


પોલીસનું શું કહેવું છે?
પોલીસ અને ફોરેન્સિક વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટનામાં માર્યા ગયેલા લોકોએ આત્મહત્યા કરવા માટે રુંવાડા ઉભા કરી દે તેવી રીતનો ઉપયોગ કર્યો હતો. આ ઘર ગેસ ચેમ્બરમાં ફેરવવામાં આવ્યું હતું, જેનાથી કાર્બન મોનોક્સાઈડ ઉત્પન્ન થતો હતો અને આ ઝેરી ગેસથી ત્રણેયના ગૂંગળામણને કારણે મોત થયા હતા. પોલીસનું કહેવું છે કે અત્યાર સુધીની તપાસમાં વધુ એક વાત સામે આવી છે કે આ પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી અને ઉપરથી આ લોકો એકલતાનો શિકાર હતા, જેના કારણે ડિપ્રેશનમાં આવીને આ પગલું ભર્યું હોઈ શકે છે.