PM Modi in Gujarat: ગઈકાલે પ્રધાનમંત્રી મોદી જ્યારે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ પર પહોંચ્યા ત્યારે પ્રધાનમંત્રી મોદી પર ફુલોનો વરસાદ કરવામાં આવ્યો હતો. આ ફુલોની વર્ષા પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં 4 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ મળેલી ભવ્ય જીતના સન્માનમાં કરવામાં આવી હતી. આ 4 રાજ્યોમાં દેશની રાજનીતિમાં ખુબ મહત્વનુ રાજ્ય એટલે ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશમાં ભાજપની ઐતિહાસીક જીત 'મોદી' બ્રાન્ડ હજી પણ કેટલી કારગર છે તેનો પુરાવો સાબિત થયો છે. ખેડૂત આંદોલન બાદ પણ ઉત્તર પ્રદેશને જીતવામાં પીએમ મોદી કઈ રીતે સફળ થયા તે સમજવા માટે આ '10 વિજય સુત્રો' જાણો.
માફી માંગીને ખેડૂતોને શાંત કર્યાઃ
જ્યારે બધાએ માનીને ચાલી રહ્યા હતા કે કૃષિ કાયદાને લઈને ખેડૂતોનો ગુસ્સો ભાજપ પર ભારે પડશે. એ સમયે યુપી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી હતી. સ્થિતીને પારખીને પ્રધાનમંત્રી મોદીએ કૃષિ કાયદાને પરત ખેંચવાનો નિર્ણય કર્યો અને ખેડૂતોના ગુસ્સાને શાંત કરવા માટે માફી પણ માંગી. જેથી ખેડૂત આંદોલનથી પ્રભાવિત પશ્ચિમ યુપીની 136 સીટો પર થયેલી પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 46 સીટો અને બીજા તબક્કામાં 31 સીટો જીતવામાં ભાજપને સફળતા મળી છે.
મફત કોરોના રસીઃ
કોરોનાની બીજી લહેરમાં ઉત્તર પ્રદેશની હાલત ખરાબ થઈ ગઈ હતી. જેથી લાગી રહ્યું હતું કે, ભાજપને નુકસાન થશે. આ સમયમાં પીએમ મોદીએ મફત કોરોના રસી આપીને આ મુશ્કેલીનો રસ્તો પણ કાઢ્યો હતો. મફત કોરોના રસી અભિયાન ચલાવીને લોકોને રસી અપાઈ હતી જેથી ત્રીજી લહેરમાં કોરોનાની કોઈ ખાસ અસર નથી થઈ.
કોરોના મહામારીમાં મફત અનાજઃ
માત્ર કોરોના રસી જ નહીં, ડબલ રાશન સ્કીમ પણ ઉત્તર પ્રદેશની ડબલ એન્જિન સરકારમાં મોટી ગેમ ચેન્જર સાબિત થઈ. એક તરફ યુપી સરકારની અંત્યોદય અન્ન યોજના હેઠળ કાર્ડ ધારકોને દર મહિને 10 કિલો અનાજ આપીને અને બીજી તરફ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગરીબોને 5 કિલો વધારાનું અનાજ આપીને ભાજપે લોકોની મોટી વોટ બેંક બનાવી છે. લાભાર્થીઓની આ વોટબેંક ભાજપની જીતનું મોટું પરિબળ છે.
મહિલા મતદારોનો વિશ્વાસ જીત્યોઃ
ઉત્તર પ્રદેશમાં લગભગ 7 કરોડ મહિલા મતદારો છે. તેમના વોટ મેળવવા વિરાસત અભિયાનથી લઈને શક્તિ સ્કીમ સુધીની અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી હતી. આ સાથે ભાજપે કહેવાનું શરૂ કર્યું કે, જો સમાજવાદી પાર્ટી પરત ફરશે તો ફરી ગુંડાગીરી વધશે. આમ યોગી અને મોદી મહિલાઓની સુરક્ષાના મુદ્દે તેમનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા.
રખડતા ઢોરના ત્રાસ અંગે ખેડૂતોને ભરોસો આપ્યોઃ
જ્યારે વિરોધી પક્ષો ઉત્તર પ્રદેશમાં રખડતા ઢોરની સમસ્યાને ચૂંટણીનો મુદ્દો બનાવવાની કોશિશ કરી રહ્યા હતા, ત્યારે પીડિત ખેડૂતો પણ તેના વિશે પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા. મોદીએ આ મુદ્દાની અવગણના કરી ન હતી. આ મુદ્દાને ટાળવાને બદલે મોદીએ પોતે આગળ વધીને ખેડૂતોને ખાતરી આપીને ખેડૂતોના મત મેળવ્યા છે.
યુપી વિકાસનો 'એક્સપ્રેસ વે':
પશ્ચિમમાં જેવર એરપોર્ટ હોય કે પૂર્વમાં એક્સપ્રેસ વે, ચૂંટણી પહેલાં વડાપ્રધાન મોદીએ લોકો સામે વિકાસની તસવીર રજૂ કરી હતી. આ વિકાસની વાતથી દરેક મતદાતાનો વિશ્વાસ મજબૂત કરવામાં મોદી સફળ થયા છે.
જાતિ-ધર્મનું સમીકરણ તોડી નાખ્યુંઃ
યુપીનું રાજકારણ માયાવતીની એસસી અને સમાજવાદી પાર્ટીની યાદવ-મુસ્લિમ વોટબેંક વચ્ચે ઝૂલી રહ્યું હતું. મોદીએ આ તમામ સમીકરણોને પણ ખતમ કરી નાખ્યા તેથી જ ભાજપે 86 SC-ST બેઠકોમાંથી 65 પર જીત મેળવી, જ્યારે મુસ્લિમ પ્રભાવવાળી 85માંથી 49 બેઠકો પણ ભાજપના ખાતામાં આવી છે.
પૂર્વાંચલમાં મોદીએ ખુદ આગેવાની લીધીઃ
ચૂંટણીના છેલ્લા તબક્કામાં મોદી ખુદ વારાણસી પહોંચ્યા હતા. દરેક જગ્યાએ પહોંચીને, ભવ્ય રોડ શો કરીને મોદીએ ફરી એકવાર પ્રજા સાથે સીધું જોડાણ બનાવ્યું હતું અને અખિલેશે પોતાનું પુરું જોર લગાવ્યું છતાં પણ ભાજપને પૂર્વાંચલમાં 130 માંથી 77 બેઠકો મળી છે.
અયોધ્યામાં રામ મંદિરઃ
યુપી વિધાનસભા ચૂંટણીમાં વિકાસની સાથે હિન્દુત્વનો પ્રવાહ પણ ચાલતો રહ્યો હતો. અયોધ્યામાં રામ મંદિર નિર્માણની શરૂઆત ભાજપની જીતનું મોટું કારણ બની ગયું છે.
વિરોધીઓ પર પરિવારવાદનું તીરઃ
જેમણે યુપીમાં ભાજપને પડકાર ફેંક્યો તે બધા વિપક્ષી નેતાઓ અખિલેશ યાદવ, જયંત ચૌધરી અને પ્રિયંકા ગાંધીને મોદીએ પરિવારવાદના વર્તૃળમાં ઘેર્યા હતા. તમામ વિપક્ષી નેતાઓ પર પરિવારવાદનું તીર ચલાવીને મોદીએ જનતાને આ નેતાઓ પાસે હિસાબ માંગવા કહ્યું હતું.