નોયડાઃ પ્રેમ લગ્ન કરવાનો ઘણી વખત કરૂણ અંજામ પણ આવતો હોય છે. નોયડામાં આડા સંબંધના શંકામાં એક વ્યક્તિએ તેની પત્નીનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. જે બાદ મૃતદેહને ગાઝિયાબાદના ઈંદિરાપુરમ પોલીસ સ્ટેશનમાં ફેંકી દીધી હતી. મૃતકની ઓળખ ફેસ 3 પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી રંજીતા તરીકે થઈ હતી. જે બાદ પોલીસે તેના પતિની પૂછપરછ કરતાં તેણે જ પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
સાત મહિના પહેલા કર્યા હતા લવ મેરેજ
નોયડાના ફેઝ-3 પોલીસ સ્ટેશન અંતર્ગત આવતાં છજારસી ગામના રહેવાસી લાલતા પ્રસાદના સાત મહિના પહેલા લગ્ન થયા હતા. કન્નોજ નિવાસી 23 વર્ષીય રંજીતા સાથે તેણે લવ મેરેજ કર્યા હતા. લાલતા પ્રસાદ તેના ભાઈની મીઠાઈની દુકાન પર કામ કરતો હતો. લાલતા પ્રસાદને રંજીતાના આડા સંબંધની શંકા હતી.
પતિને જોઈ યુવક થઈ ગયો ફરાર
પોલીસના જણાવ્યા મુજબ, તે રંજીતાને ઈન્દિરાપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દવા લેવા લઈ ગયો હતો. ટેમ્પોમાંથી ઉતર્યા બાદ રંજીતા ફોન પર વાત કરતી વખતે આગળ ચાલી ગઈ હતી. થોડીવાર પછી લાલતા પ્રસાદ તેની પાછળ પહોંચ્યો ત્યારે રંજીતા કોઈ યુવક સાથે વાત કરતી હતી. લાલતા પ્રસાદને જોઈ યુવક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
પત્નીની ચૂંદડીથી જ દબાવી દીધું ગળું
પત્નીને અન્ય પુરુષ સાથે વાત કરતી જોઈ લાલતા પ્રસાદે મગજ પરનું સંતુલન ગુમાવી દીધું હતું અને રંજીતાની ચૂંદડીથી તેનું ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. હત્યા બાદ તે લાશને કનાવનીમાં સત્યમ ફાર્મ હાઉસ પાસે છોડીને ફરાર થઈ ગયો હતો. જોકે પોલીસે લાશ મળ્યાના ગણતરીના કલાકોમાં જ તેને ઝડપીને હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.