હૈદરાબાદઃ તેલંગણાની રાજધાની હૈદરાબાદમાં મહિલા ડોક્ટર પર ગેંગરેપ બાદ હત્યા અને મૃતદેહને સળગાવી દેવા મામલે કોર્ટે તમામ  આરોપીઓને સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. પોલીસ કસ્ટડીમાં આરોપીઓએ આ મામલા સાથે સંબંધિત અનેક મહત્વના ખુલાસાઓ કર્યા હતા. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગેંગરેપ અને હત્યાના મુખ્ય આરોપીએ ખુલાસો કર્યો હતો કે જે સમયે તેઓ મહિલા ડોક્ટરને મૃત સમજીને સળગાવી રહ્યા હતા ત્યારે તે જીવતી હતી.


ટોલી વેલેગૂના અહેવાલ અનુસાર, મુખ્ય આરોપી મોહમ્મદ પાશાએ કહ્યું હતું કે, ગેંગરેપ બાદ મહિલા ભાગી ના જાય તે માટે તેના હાથ અને પગ બાંધી દીધા હતા. તેઓએ રેપ બાદ પીડિતાને બળજબરીપૂર્વક દારૂ પીવડાવ્યો હતો. જ્યારે તે બેભાન થઇ ગઇ ત્યારે ટ્રકમાં નાખીને પુલ નીચે લઇ ગયા હતા. ત્યારબાદ પુલ નીચે જ પેટ્રોલ નાખીને પીડિતાને સળગાવી હતી.

આરોપીએ કહ્યુ કે, તેમને લાગ્યું હતું કે મહિલા મરી ચૂકી છે પરંતુ જ્યારે તેમણે આગ લગાવી ત્યારે તે બૂમો પાડી રહી હતી. આરોપી પાશાના મતે તેઓ ઘણા સમય સુધી મહિલાને સળગતી જોઇ રહ્યા હતા. પોલીસના હાથે પકડાઇ ના જઇએ એટલા માટે પીડિતાને મારી નાખી હતી. ઉલ્લેખનીય છે કે  29 નવેમ્બરના રોજ હૈદરાબાદના સાઇબરાબાદ ટોલ પ્લાઝાની પાસે એક મહિલાની અડધી સળગેલી લાશ મળી હતી. મહિલાની ઓળખ એક વેટનરી ડોક્ટર તરીકે થઇ હતી. આ મામલે પોલીસે ચારેય આરોપીઓ મોહમ્મદ પાશા, નવીન, ચિંતાકુંતા કેશાવુલુ અને શિવાની ધરપકડ કરી હતી.