ઈમ્ફાલ: મણિપુરમાં લગભગ બે મહિનાથી ચાલી રહેલી જાતિય હિંસા રોકવામાં નિષ્ફળ રહેવા બદલ મણિપુરના મુખ્યમંત્રી એન. બીરેન સિંહના રાજીનામાનો પત્ર શુક્રવારે બપોરે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેમના રાજીનામાનો ફાટેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. હવે તેમણે પોતે ટ્વિટ કરી રાજીનામા અંગે ખુલાસો કર્યો છે. તેમણે ટ્વિટ કરતા કહ્યું કે આ નિર્ણાયક સમયે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે હું મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપીશ નહીં.
મોટી સંખ્યામાં મહિલાઓ ઇમ્ફાલમાં એન બિરેન સિંહના ઘર બહાર એકઠી થઈ છે અને માનવ સાંકળ બનાવી છે. આ મહિલાઓનું કહેવું છે કે મુખ્યમંત્રીએ રાજીનામું આપવું જોઈએ નહી. ભીડને દૂર કરવા માટે ઇમ્ફાલમાં બપોરે 2 વાગ્યે ફરીથી કર્ફ્યૂ લાદવામાં આવ્યું છે. મણિપુરના મુખ્યમંત્રી રાજ્યપાલ સાથે મુલાકાત કરવાના છે.
હાલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી મણિપુરની બે દિવસની મુલાકાતે છે. રાહુલ ગાંધી શુક્રવારે જ ઇમ્ફાલ હોટલમાં 'સમાન વિચારધારાવાળા' પક્ષના નેતાઓ, યુનાઇટેડ નાગા કાઉન્સિલ (UNC)ના નેતાઓ અને નાગરિક સમાજ સંગઠનોના સભ્યોને મળવાના છે. મણિપુર કોંગ્રેસના અધ્યક્ષ કીશમ મેઘચંદ્રને ટાંકીને સમાચાર એજન્સી ANIએ આ માહિતી આપી છે.
પીડિતોને મળ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું- ‘હિંસાથી ઉકેલ નહી મળે, ફક્ત શાંતિ જ સમાધાન’
હિંસાગ્રસ્ત રાજ્ય મણિપુરની બે દિવસની મુલાકાતે પહોંચેલા રાહુલ ગાંધીએ આજે પીડિતોને મળ્યા બાદ રાજ્યના લોકોને સંદેશ આપ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હિંસાથી કોઈ પણ પ્રકારનો ઉકેલ મળશે નહી, માત્ર શાંતિ જ સમાધાન છે.
મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મણિપુરને શાંતિની જરૂર છે. હું રાહત શિબિરોમાં ગયો અને દરેક સમુદાયના લોકોને મળ્યો હતો. રાહત શિબિરોમાં દવાઓ અને ખોરાકની અછત છે, જેના પર સરકારે ધ્યાન આપવું જોઈએ. હું મણિપુરના દરેક વ્યક્તિને શાંતિ જાળવવાની અપીલ કરું છું. હું અહીં હાજર છું અને શાંતિ માટે મારાથી બનતું બધું કરીશ.