નવી દિલ્હીઃ ભારતના એરફોર્સના ગુમ પાયલટ પાકિસ્તાન હોવાની પુષ્ટી થઇ ગઇ છે. સાથે ભારતે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું હતું કે, તે એરફોર્સના પાયલટને જલદી સુરક્ષિત પાછો સોંપે. ભારતે પાકિસ્તાનને ડેપ્યુટી હાઈ કમિશનર સૈયદ હૈદર શાહને એ સુનિશ્વિત કરવા કહ્યું છે કે ભારતીય પાયલટને પાકિસ્તાનની કસ્ટડીમાં કોઇ નુકસાન ના પહોંચે. એરસ્ટ્રાઇકથી ડરેલા પાકિસ્તાને એલઓસીની અંદર આવવાનો પ્રયાસ કર્યો હતો જેને ઇન્ડિયન એરફોર્સે નિષ્ફળ બનાવ્યો હતો. પરંતુ આ સંઘર્ષ દરમિયાન એક ભારતીય પાયલટ પાકિસ્તાનના ચંગુલમાં ફસાઇ ગયો હતો. જેની સાથે મારપીટ કર્યાની તસવીરો પણ સામે આવી રહી છે. સોશિયલ મીડિયામાં પાયલટ સાથે મારપીટ અને અભદ્રતાના વીડિયો જાહેર કરવામાં આવ્યા હતા જેનો ભારત સરકારે વિરોધ કર્યો છે.


જોકે આ પ્રકારે યુદ્ધ હેઠળ પકડાતા કેદીઓને લગતા કેટલાંક નિયમો છે. આતંરરાષ્ટ્રીય જિનિવા સંધિમાં યુદ્ધ કેદીઓને લઇને કેટલાંક નિયમો બનાવવામાં આવ્યા છે. જે હેઠળ યુદ્ધ કેદીઓને ડરાવવા-ધમકાવવાનું કામ અથવા તેઓનું અપમાન ના કરી શકાય. યુદ્ધ કેદીઓને લઇને જનતામાં ઉત્સુકતા પેદા પણ ના કરી શકાય.

જિનિવા સંધિ હેઠળ યુદ્ધ કેદીઓ પર કેસ ચલાવી શકાય છે અથવા યુદ્ધ બાદ તેઓને જે-તે દેશને પરત સોંપવામાં આવે છે. સેનાના જવાન પકડાઇ જવા પર યુદ્ધ કેદીઓને પોતાનું નામ, સૈન્ય પદ અને નંબર જણાવવાની જોગવાઇ કરવામાં આવી છે.

જો કે, વિશ્વના કેટલાંક દેશોએ જિનિવા સંધિનું ઉલ્લંઘન પણ કર્યુ છે. જિનિવા સંધિનો સામાન્ય રીતે સંબંધ બીજા વિશ્વયુદ્ધ બાદ 1949માં તૈયાર કરવામાં આવેલી સંધિઓ અને નિયમોથી છે. તેનો મુખ્ય હેતુ યુદ્ધના સમયે વ્યક્તિગત મૂલ્યોને જાળવી રાખવા માટે કાયદો તૈયાર કરવાનો હતો.