Molnupiravir:  ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) ના વડાએ બુધવારે જણાવ્યું હતું કે એન્ટિવાયરલ દવા મોલનુપીરાવીરમાં આડઅસર, સ્નાયુઓ અને હાડકાંને નુકસાન સહિત મોટી સલામતી ચિંતાઓ છે. ICMRના મહાનિર્દેશક ડૉ. બલરામ ભાર્ગવે આજે મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે એન્ટિવાયરલ COVID-19 ગોળી કોવિડ-19 નેશનલ ટાસ્ક ફોર્સની સારવાર માર્ગદર્શિકામાં સામેલ નથી. ભાર્ગવે કહ્યું કે જો મહિલાઓને દવા આપવામાં આવે તો ત્રણ મહિના સુધી ગર્ભનિરોધક પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે બાળક માટે સમસ્યા થઈ શકે છે.






આ દવાની કેટલી છે કિંમત


ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) એ ગયા અઠવાડિયે મોલનુપીરાવીરને ઇમરજન્સી યૂઝની મંજૂરી આપી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે ભારતમાં 13 કંપનીઓ એન્ટિવાયરલ દવાઓ બનાવશે. ફાર્મા કંપની મર્કે 100 થી વધુ ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં મોલનુપીરાવીરના જેનરિક વર્ઝનનું ઉત્પાદન અને સપ્લાય કરવા માટે ડૉ. રેડ્ડીઝ સહિત આઠ સ્થાનિક દવા ઉત્પાદકો સાથે લાઇસન્સિંગ કરાર કર્યા છે.


રેડ્ડીઝ લેબોરેટરીઝ લિમિટેડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે દવા બનાવતી કંપની અહીં ₹35માં મોલનુપીરાવીર લોન્ચ કરશે. કોવિડ-19ના ઉચ્ચ કેસલોડવાળા રાજ્યો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને આગામી સપ્તાહથી આ દવા ઉપલબ્ધ થવાની અપેક્ષા છે.


ભારતમાં કોરોનાનું ચિત્ર


સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 58,097 નવા કોવિડ કેસ નોંધાયા છે અને 15,389 લોકો સાજા થયા છે. જ્યારે 534 લોકોના કોરોનાથી નિધન થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 4.18 ટકા છે. હાલ એક્ટિવ કેસ 2,14,0004 છે. જ્યારે કુલ 3,43,21,803 લોકો કોરોનાને મ્હાત આપી ચુકયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં 4.82 લાખથી વધુ લોકોના નિધન થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 2135 થઈ છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સૌથી વધુ કેસ છે. મહારાષ્ટ્રમાં 653 અને દિલ્હીમાં 464 ઓમિક્રોન દર્દી નોંધાયા છે. ઓમિક્રોનના 2135 દર્દીમાંથી 828 રિકવર થઈ ગયા છે.


આ પણ વાંચોઃ કોરોના રસી લીધા બાદ પેરાસિટામોલ કે પેઇન કિલર ન લેવી જોઈએ ? જાણો ભારત બાયોટેકે શું કરી મોટી જાહેરાત