નવી દિલ્હીઃ કોરોનાથી થયેલા મોતને લઇને કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય અને ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (ICMR)એ રાજ્ય સરકારનો નિર્દેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કેન્દ્રએ રાજ્યોને નિર્દેશ આપ્યા છે કે જો કોઇ વ્યક્તિનું કોરોનાથી મોત થયું તો તેના ડેથ સર્ટિફિકેટ પર ‘કોરોનાથી મોત’ લખવું જરૂરી રહેશે.સાથે જ જે લોકોનું કોરોનાના કારણે અગાઉ મોત થઇ ચૂક્યું છે તેમનો પરિવાર પણ આ નવા ડેથ સર્ટિફિકેટ માટે માંગ કરી શકે છે. તેમની માંગ પર વિચાર કરવા માટે તમામ જિલ્લામાં એક કમિટી બનાવવામાં આવશે. આ કમિટી અરજી મળ્યાના 30 દિવસની અંદર તેના પર નિર્ણય લેશે.


સુપ્રીમ કોર્ટે રીપક કંસલ અને ગૌરવ બંસલના નામના બે અરજીકર્તાઓની અલગ અલગ અરજીઓ પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને કોરોનાથી થયેલા મોત માટે લઘુતમ વળતર નક્કી કરવા માટે કહેવામાં આવ્યું છે. 30 જૂનના રોજ આપવામાં આવેલા આ નિર્ણયમાં કોર્ટે સરકારને ડેથ સર્ટિફિકેટમાં મોતનું કારણ કોરોના લખવાની વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું હતું. આ દિશામાં કામ ન થવા પર અગાઉ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. હવે કેન્દ્રએ એફિડેવિટ દાખલ કરી જણાવ્યું કે, ડેથ સર્ટિફિકેટ અંગે દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે.


 તે સિવાય કહેવામાં આવ્યુ છે કે જો આરટી-પીસીઆર અથવા મોલેક્યુલર ટેસ્ટ અથવા RAT અથવા હોસ્પિટલમાં થયેલી કોઇ પણ તપાસમાં દર્દીને કોરોના થયાની પુષ્ટી થાય છે તો તેનું મોત થવા પર ડેથ સર્ટિફિકેટ પર ‘કોરોનાથી મોત’ લખવું જરૂરી રહેશે. ઘર અથવા હોસ્પિટલ, બંન્ને જગ્યાએ મોત થવા પર આ ડેથ સર્ટિફિકેટ જાહેર કરાશે. જોકે, ઝેર ખાવાના કારણે થયેલું મોત, આત્મહત્યા, હત્યા, અથવા દુર્ઘટનાથી થયેલી મોતના મામલામાં ભલે મૃતક કોરોના પોઝિટીવ હોય પરંતુ ડેથ સર્ટિફિકેટમાં મોતનું કારણ કોરોના લખવામાં આવશે નહીં.


તમામ જિલ્લામાં અધિકારીઓ અને ડોક્ટરોની એક કમિટી  બનાવવામાં આવશે. તેમની મંજૂરીથી કોરોના ડેથ સર્ટિફિકેટ જાહેર કરાશે. જે લોકોને પોતાના પરિવારમાં થયેલી કોઇ મોત માટે જાહેર કરાયેલ ડેથ સર્ટિફિકેટ પર વિરોધ હોય તો તેઓ જિલ્લાધિકારીને અરજી કરી શકે છે. બાદમાં તે અરજી કમિટી પાસે મોકલવામાં આવશે. કમિટી તપાસ બાદ 30 દિવસની અંદર અરજીનો ઉકેલ લાવશે.