ગાંધીનગર : કોરોનાનો ભોગ બનેલા લોકોમાં મ્યુકરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસનો ભોગ બની રહ્યા હોય એવા કેસોની સંખ્યા વધી રહી છે. તેનાથી બચવા શું કરવું તેની લોકોમાં ચિંતા છે ત્યારે મેડિકલ નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, બ્લેક ફંગસથી બચવા માટે ભીનાં અને ભેજયુક્ત માસ્ક ના પહેરવા. આ ઉપરાંત લાંબા સમય સુધી બહાર રહેતાં લોકોએ દિવસમાં ત્રણથી ચાર માસ્ક બદલવા જોઇએ.


મેડિકલ નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, ભીનાં અને ભેજયુક્ત માસ્ક પહેરવાથી બ્લેક ફંગસનો ખતરો વધી જાય છે તેથી ભીનાં અને ભેજયુક્ત માસ્ક પહેરવા જોઇએ નહીં. નિષ્ણાતોના મતે, ઉનાળામાં ગરમીના કારણે કાપડ કે સર્જીકલ માસ્ક પરસેવાથી ભીનાં થઇ જતા હોય છે. પહેરેલો માસ્ક ભીનો થાય તે પહેલાં તેને બદલીને નવો માસ્ક પહેરવો જોઇએ.


ભારતમાં કોરોના સંક્રમણની બીજી લહેરમાં પોઝિટીવ કેસોની સાથે બ્લેક ફંગસના કેસો વધી રહ્યાં છે પણ સૌથી વદારે ખતરો ગુજરાત અને મહારાષ્ટ્રમાં છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસના સૌથી વધુ કેસો છે. ડોક્ટરો બ્લેક ફંગસ થવાના અલગ અલગ કારણો આપે છે પરંતુ સૌથી વધુ તકેદારી માસ્ક પહેરવામાં રાખવી જોઇએ તેવું નિષ્ણાતો કહે છે. 


કોરોના સંક્રમણથી બચવા માટે લોકોએ બહાર નિકળતી વખતે કપડાંના માસ્કની નીચે સર્જીકલ માસ્ક પહેરવો હિતાવહ છે એવી સલાહ અપાય છે. એ જ રીતે બ્લેક ફંગસથી બચવા માટે ભીનો માસ્ક પણ પહેરવો જોઇએ નહીં. ચોમાસાની શરૂ થઇ રહેલી સિઝનમાં લોકોએ માસ્ક પહેરવા પર વધારે ધ્યાન કેન્દ્રીત કરવાની આવશ્યકતા છે  કેમ કે ચોમાસામાં બ્લેક ફંગસના કેસો વધવાની સંભાવના સંભવ છે.


આ ઉપરાંત એવી ચેતવણી પણ અપાઈ છે કે, લોકોએ એકનો એક માસ્ક વારંવાર પણ પહેરવો ન જોઇએ. ફંગસ અને બેક્ટેરિયલ ઇફેક્ટથી બચવા માટે લોકોએ માસ્ક કેવી રીતે ક્યારે અને કેવા પહેરવા જોઇએ તે અંગે મેડીકલ નિષ્ણાતોની સલાહ લેવી અનિવાર્ય બને છે, કેમ કે માસ્ક પહેરવાની ખોટી પદ્ધતિ કોરોનાને આમંત્રણ આપી રહી છે.