મેરઠઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના મેરઠમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો છે. આ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું નામ હોકી જાદૂગરના  નામથી જાણીતા મેજર ધ્યાનચંદ્રના નામથી રાખવામાં આવ્યું છે. પીએમ મોદીએ કહ્યું, 'મારા માટે વર્ષની શરૂઆતમાં મેરઠ આવવું મહત્વપૂર્ણ છે. મેરઠ આપણી સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર છે. આ પહેલા પીએમ મોદી ખેલાડીઓની વચ્ચે પહોંચ્યા હતા અને તેમની સાથે વાતચીત પણ કરી હતી. 






વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ અગાઉ મેરઠમાં  માફિયા પોતાની રમત રમતા હતા. અગાઉની સરકારોના કારણે મેરઠથી લોકો પલાયન કરતા હતા. અગાઉની સરકારોમાં ગુનેગારો અહી રમત રમતા હતા, લોકો ભૂલી શકતા નથી કે તેમના ઘર સળગાવી નાખ્યા હતા. આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્ટ વિસ્તારમાં આવેલા કાલી પલટન મંદિરમાં પૂજા કરી હતી. PM મોદી મંદિર બાદ શહીદ સ્મારક પહોંચ્યા હતાં જ્યાં તેમણે અમર જવાન જ્યોતિ ખાતે શહીદોને નમન કર્યા હતા. ત્યારબાદ PM મોદીએ મંગલ પાંડેની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.






વડાપ્રધાન મોદીએ કહ્યું કે અગાઉની સરકારોમાં ઉત્તર પ્રદેશમાં ગુનેગારો પોતાની રમત રમતા હતા, માફિયાઓ પોતાની રમત રમતા હતા. દીકરીઓ પર ટિપ્પણીઓ  કરનારા ખુલ્લેઆમ ફરતા હતા. અગાઉની સરકારોની રમતના પરિણામે લોકોએ પોતાનું વતન છોડીને પલાયન થવા મજબૂર થવું પડ્યું હતું.






વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશંસા કરતા કહ્યું કે હવે યોગીજીની સરકાર આવા ગુનેગારોની સાથે જેલ-જેલ રમી રહી છે. પાંચ વર્ષ અગાઉ આ મેરઠની દીકરીઓ સાંજ થયા બાદ પોતાના ઘરની બહાર નીકળતા ડરતી હતી પરંતુ આજે મેરઠની દીકરીઓ આખા દેશનું નામ રોશન કરી રહી છે.