નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાનો કહેર યથાવત છે. જોકે રાહતના સમાચાર એ છે કે કોરોનાના નવા કેસ પહેલા કરતાં ઓછા આવી રહ્યા છે. ગઈકાલે સતત 12માં દિવસે 25 હજારથી ઓછા અને 21 દિવસથી 30 હજારથી ઓછા કેસ નોંધાયા છે. વિતેલા 24 કલાકમાં 20035 નવા કોરનોાના કેસ નોંધાયા છે. જ્યારે 256 લોકોના મોત થયા છે. સારા સમાચાર એ છે કે વિતેલા દિવસે 23181 લોકો કોરોનાથી ઠીક થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, ભારતમાં કોરોના કુલ કેસ વધીને 1 કરોડ બે લાખ 86 હજાર થઈ ગયા છે. તેમાંથી અત્યાર સુધી એક લાખ 48 હજાર 994 લોકોએ પોતના જીવ ગુમાવ્યા છે. કુલ એક્ટિવ કેસ ઘટીને 2 લાખ 54 હજાર પર આવી ગયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 98 લાખ 83 હજાર લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

17 કરોડથી વધારે કોરોના ટેસ્ટ

આઈસીએમઆર અનુસાર, 31 ડિસેમ્બર સુધી કોરોના વાયરસ માટે કુલ 17 કરોડ 30 લાખ કોરોનાના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 10 લાખ સેમ્પલ ગઈકાલે ટેસ્ટ કરવામાં આવ્યા. દેશમાં પોઝિટિવિટી રેટ સાત ટકા છે. 33 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના વાયરસના 20,000થી ઓછા એક્ટિવ કેસ છે. કોરનોા વાયરસના કુલ એક્ટિવ કેસમાંથી 40 ટકા કેસ કેરળ અને મહારાષ્ટ્રમાં છે.

મૃત્યુ દર અને રિકવરી રેટ

મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ કેરળમાં સૌથી વધારે રિકવરી થઈ છે. કુલ રિકવરીના 52 ટકા કેસ આ પાંચ રાજ્યોમાં છે. તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના વાયરસનો રિકવરી રેટ 90 ટકાથી વધારે છે. રાહતની વાત એ છે કે મૃત્યુ દર અને એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. દેશમા કોરોનાથી મૃત્યુ દર 1.45 ટકા છે જ્યારે રિકવરી રેટ 96 ટકા છે. એક્ટિવ કેસ 3 ટકાથી ઓછા છે.

સૌથી વધારે એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. એક્ટિવ કેસ મામલે વિશ્વમાં ભારતનું 10મું સ્થાન છે. કોરોના સંક્રમિતોની સંખ્યા પ્રમાણે ભારત વિશ્વનો બીજો સૌથી વધારે પ્રભાવિત દેશ છે. રિકવરી વિશ્વમાં અમેરિકા બાદ સૌથી વધારે ભારતમાં છે. મોતના મામલે અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારતનો નંબર છે.