કોરોના સામેની જંગ જીતવા માટે આજે દેશભરમાં દુનિયાના સૌથી મોટા રસીકરણના મહાઅભિયાનની શરૂઆત થશે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સવારે સાડા દસ વાગ્યે પ્રથમ તબક્કાના રસીકરણ અભિયાનની શરૂઆત કરશે. દેશના તમામ રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોમાં આજે ત્રણ લાખથી વધુ હેલ્થ વર્કર્સને કોવિડ 19ની રસી આપવામાં આવશે.


પ્રથમ દિવસે પ્રત્યેક સ્થળ પર અંદાજે 100 જેટલા હેલ્થ વર્કર્સોને રસી આપવામાં આવશે. રસીકરણના કાર્યક્રમમાં કો વિન નામના ઓનલાઈન ડિજીટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવશે. જે કેંદ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે તૈયાર કર્યું છે.

આ પ્લેટફોર્મ રસીના જથ્થા, સંગ્રહ તાપમાન, કોવિડ 19 રસી માટેના વ્યક્તિગત લાભાર્થીઓના ટ્રેકિંગની વાસ્તવિક સમયની માહિતી પૂરી પાડશે. આ ડિજીટલ પ્લેટફોર્મ રસીકરણ હાથ ધરવામાં તમામ સ્તરે કાર્યક્રમ વ્યવસ્થાપકોને સહાયરૂપ રહેશે.

કોવિડ 19 મહામારી, રસીકરણ અભિયાનના અમલ અને Co WIN સોફ્ટવેર સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે 24X7 ધોરણે કાર્યરત સમર્પિત કૉલ સેન્ટર – 1075 પણ શરૂ કરવામાં આવ્યું છે.

કોવિશિલ્ડ અને કોવેક્સિન બંને રસીના પૂરતા પ્રમાણમાં ડોઝ પહેલાંથી જ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સક્રિય સહકારથી તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પહોંચાડી દેવામાં આવ્યા છે. ત્યારબાદ આ જથ્થાને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો અને પ્રશાસન દ્વારા જે તે જિલ્લાઓ સુધી પહોંચાડવામાં આવ્યા છે. આ કાર્યક્રમને લોક ભાગીદારીના સિદ્ધાંત સાથે અમલમાં મૂકવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે.