India Health News: ચીનમાં ન્યૂમૉનિયાના વધતા જતા કેસોએ ભારતમાં પણ ચિંતા વધારી દીધી છે, ભારતમાં પણ સરકારી તંત્ર હવે હરકતમા આવ્યુ છે. આ બિમારીને ધ્યાનમાં રાખીને હવે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જાહેર આરોગ્ય કેન્દ્રો અને હૉસ્પિટલોની તૈયારીના પગલાંની તાત્કાલિક સમીક્ષા કરવાની સલાહ આપી છે. આરોગ્ય મંત્રાલય પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે, જે દર્શાવે છે કે કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી.
આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 'COVID-19ના સંદર્ભમાં સંશોધિત સર્વેલન્સ સ્ટ્રેટેજી માટે ઓપરેશનલ ગાઈડલાઈન્સ' લાગુ કરવા જણાવ્યું છે. આવી સ્થિતિમાં જિલ્લા અને રાજ્યના અધિકારીઓ ILI/SARI (ઈન્ફલ્યૂએન્ઝા જેવી બીમારી/ગંભીર તીવ્ર શ્વસન ચેપ)ના કેસ પર નજર રાખશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સામાન્ય કારણોસર ખાસ કરીને ઈન્ફલ્યૂએન્ઝા, માયકૉપ્લાઝમા ન્યૂમૉનિયા, SARS-CoV-2 જેવા કારણોને લીધે શ્વસન સંબંધી રોગોમાં વધારો થઈ રહ્યો છે.
કેટલાક મીડિયા અહેવાલોમાં ઉત્તર ચીનમાં બાળકોમાં શ્વસન સંબંધી રોગોના કિસ્સા નોંધાયા છે. આ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ઉપલબ્ધ માહિતી અનુસાર છેલ્લા કેટલાક સપ્તાહમાં ચીનમાં શ્વાસ સંબંધી રોગોના કેસમાં વધારો થયો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, 'બાળકોમાં શ્વસન સંબંધી રોગોના સામાન્ય કારણોની ઓળખ કરવામાં આવી છે અને કોઈ અસામાન્ય પેથૉજેન્સ અથવા કોઈપણ અણધારી ક્લિનિકલ પેટર્નની ઓળખ કરવામાં આવી નથી.'
દરમિયાન ચીનના નેશનલ હેલ્થ કમિશન (NNC) એ મહિનાના મધ્યમાં એક પ્રેસ કૉન્ફરન્સ યોજીને શ્વસન સંબંધી રોગોમાં વધારો ખાસ કરીને ઈન્ફલ્યૂએન્ઝા, માયકૉપ્લાઝ્મા ન્યૂમૉનિયા, નાના બાળકોને અસર કરતા સામાન્ય બેક્ટેરિયલ ચેપ અને શ્વસન સિંસિટીયલ વાયરસ (RSV)ની માહિતી આપી હતી. આ અઠવાડિયે રાજ્ય સંચાલિત ચાઇના નેશનલ રેડિયોએ જણાવ્યું હતું કે બેઇજિંગ ચિલ્ડ્રન્સ હૉસ્પિટલમાં ડેઇલી એવરેજ 7,000 દર્દીઓ આવી રહ્યા છે, જે હૉસ્પિટલની ક્ષમતા કરતા વધારે છે.