જિનિવાઃ અમેરિકાએ સૌર પેનલ મામલે ભારત સામે વિશ્વ વ્યપાર સંગઠન (WTO)માં જીતનો દાવો કર્યો છે. અમેરિકી વ્યપાર સંગઠન પ્રતિનિધિ માઇકલ ફ્રોમેને કહ્યું કે WTOની અપેલેટ બોડીએ પોતાની એક રિપોર્ટમાં આ મામલે સરકારની ચેલેન્જને સાચી માની છે. ઓબામાં સરકારે ભારતના રાષ્ટ્રીય સૌર મિશન હેઠળ 'ઘરેલું બનાવટની અનિવાર્યતા'ને ચેલેન્જ આપી હતી.
તેમણે કહ્યું કે, ભારતે 2011માં તે સમયે અનિવાર્યતા લાગુ કરી હતી. તે મુજબ સૌર ઉર્જા ડેવલોપરોને ભારતમાં જ બનેલા સેલ અને મોડ્યુલનો ઉપયોગ કરવાનો હતો. ત્યાર બાદથી ભારતમાં અમેરિકાની સૌર પેનલ વગેરેના નિકાસ પર 90 ટકાનો ઘટાડો થયો હતો.
અમેરિકાના વ્યપાર પ્રતિનિધિ અનુસાર અપેલેટ બોડીએ ભારત સાથેના અમેરિકાના સૌર ઉર્જા મામલામાં ભારત વિરુદ્ધના નિર્ણયને સાચો માન્યો છે. આ પહેલા એક સમિતિએ ભારત વિરુદ્ધના નિર્ણય પર આદેશ આપતા કહ્યું હતું કે, સૌર ફાર્મો સાથે સરકારનો વિજળી ખરીદવાની સમજૂતી આંતરરાષ્ટ્રીય માનકો વિરુદ્ધ છે. આ અનુસાર ભારતના તમામ તર્કોને ફગાવી દેવામાં આવ્યા હતા.