નવી દિલ્લી: ભારત પાકિસ્તાનને જવાબ આપવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાને ઉરીમાં જે હુમલો કર્યો છે, તેનાથી નારાજ ભારત હવે પાકિસ્તાન સાથે 1960માં થયેલા સિંધુ નદીની જળ સમજૂતીને રદ કરવા વિચાર કરી રહ્યું છે.
ઐતિહાસિક સિઁધુ ઘાટી સભ્યતા આજ સિંધુ નદી અને તેમની સહાયક નદીઓના કિનારે પાંગરી હતી. હાલ પણ આ નદી પાકિસ્તાનના મોટા ક્ષેત્રને પાણી પૂરુ પાડે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ સિઁધુ નદીના સહારે મોદી સરકાર પાકિસ્તાન પાસે સીધા હુમલા કરવાને બદલે તેની પાસે ઘૂંટણ ટેકવવાની રણનીતિ બનાવી રહી છે.
1960ની સિંધુનદી જળ સમજૂતીને રદ કરવા અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે. જાણકારોનું કહેવું છે કે આમ થાય તો પાકિસ્તાનનો મોટો ભાગ રણમાં બદલાઈ જશે.
પાકિસ્તાન માટે સિઁધુ નદી જળ સમજૂતી તેની લાઈફલાઈન છે. જો કે સિંધુ જળ સમજૂતીમાં સતલજ, વ્યાસ, રાવી, સિઁધુ, જેલમ અને ચેનાબ નદીઓના પાણીની વહેંચણીની વ્યવસ્થા કરવામાં આવી છે. સંધિ અંતર્ગત સતલજ, વ્યાસ અને રાવીનું મોટા ભાગનું પાણી ભારતના ભાગે આવે છે જ્યારે સિઁધુ, જેલમ અને ચેનાબનું મોટા ભાગનું પાણી પાકિસ્તાનના ભાગે આવે છે.
1960માં કરવામાં આવેલી આ જળ સંધિમાં ભારતે પાકિસ્તાન માટે મોટા ભાઈની ભૂમિકા ભજવી હતી. તેણે પોતાના ભાગનું પાણી પાકિસ્તાનની જરૂરિયાતોને જોતા આપ્યું હતું. જેના બદલામાં પાકિસ્તાન ભારતને જે આપી રહ્યું છે તે બધા જોઈ રહ્યા છે.
વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર ભારત જો આ સમજૂતી ખરેખર રદ કરે તો પછી પાકિસ્તાનની હરકતોનો જડબાતોડ જદવાબ હશે. સિંધુ, જેલમ, અને ચેનાબમાં ઘણી જળવિદ્યુત પરિયોજનાઓ ચાલી રહી છે જેને કારણે પાકિસ્તાનને વીજળી મળે છે. આ ઉપરાંત આ ત્રણ નદીઓમાં સિંચાઈની વ્યવસ્થા પણ છે. જેથી આ સમજૂતી રદ કરવાથી પાકિસ્તાનને મોટો આર્થિક ફટકો પડી શકે છે.