નવી દિલ્હી: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધન કરતા કહ્યું કે, દેશને આગામી 10 વર્ષ સુધી તાકતવર, સ્થિર અને નિર્ણાયક નિર્ણય લઈ શકે તેવી મજબૂત સરકારની જરૂર છે. તેમણે કહ્યું કમજોર ગઠબંધન સરકાર માટે ખરાબ છે. સરકાર પાસે પોતાનું બહુમત હોવું જરૂરી હોય છે. જેથી મજબૂતીથી કામ કરી શકાય.


અજિત ડોભાલે કહ્યું કે, 70 ના દાયકામાં અર્થવ્યવસ્થા મામલે ભારત ચીનથી આગળ છે. પરંતુ વર્તમાન સમયમાં ચીનની અર્થવ્યવસ્થા ભારત કરતા મોટી બની ગઈ છે. દેશની અર્થવ્યવસ્થા મજબૂત કરવા માટે આપણને એક સ્થિર સરકારની જરૂર છે.

તેઓએ કહ્યું કે, આપણે પ્રતિનિધિ દ્વારા શાસિત નથી પરંતુ તેમના દ્વારા બનાવવામાં આવેલા કાયદાઓથી છે. તેથી કાયદાનું શાસન ખૂબજ જરૂરી છે. ભારત ટૂંક સમયમાં જ દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. તેઓએ ઉદાહરણ આપતા કહ્યું ચીનની સરકારની મદદથી અલીબાબા અને અનેક કંપનીઓ ઘણી આગળ નીકળી ગઈ છે.

ભારતીય ખાનગી સેક્ટર કંપનીઓને પણ ભારતીય રણનીતિક હિતોને પૂર્ણ કરવા અને પ્રોત્સાહન આપવું જોઈએ. તેઓએ કહ્યું તમામ ડિફેન્સ હાર્ડવેરને 100 ટકા ટેક્નોલોજીમાં બદલવાની જરૂર છે. આ જ નવી સરકારની પોલીસી છે. ડોભાલે કહ્યું જો આપણે શક્તિશાળી બનવું છે તો આપણી અર્થવ્યવસ્થા મોટી હોવી જોઈએ. જેનાથી વિશ્વ સ્તરે હરિફાઈ થવી જોઈએ અને આ ત્યારે શક્ય છે જ્યારે આપણે ટેકનિકલી રીતે આગળ હોય.