India reply in UN: ભારતીય સેક્રેટરીએ યુએન પ્લેટફોર્મ પર કાશ્મીર મુદ્દે પાકિસ્તાન અને તુર્કીને જોરદાર ઠપકો આપ્યો છે. કાશ્મીર પર તુર્કી અને પાકિસ્તાનના તાજેતરના નિવેદનો પર પ્રતિક્રિયા આપતા ભારતે કહ્યું કે, આ ભારતનો આંતરિક મામલો છે અને તેમાં કોઈ દેશે દખલ ન કરવી જોઈએ. આ સાથે ભારતે આશા વ્યક્ત કરી કે તુર્કી બીજી વખત આવું નહીં કરે.


 






તો બીજી તરફ, ભારતે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મનો દુરુપયોગ કરવા અંગે પાકિસ્તાનના વલણ પર નિરાશા વ્યક્ત કરી હતી. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ પાકિસ્તાન અલગ-અલગ વિષયો પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવતું રહ્યું છે, પરંતુ આ વખતે તુર્કીએ પણ પાકિસ્તાનનું સમર્થન કર્યું છે.


સંયુક્ત રાષ્ટ્રની 55મી માનવાધિકાર પરિષદમાં પાકિસ્તાને કાશ્મીર મુદ્દે ભારત પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તુર્કીએ પણ આ મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું. ભારત પરના આરોપોનો જવાબ આપતાં ભારતના ફર્સ્ટ સેક્રેટરી અનુપમા સિંહે પાકિસ્તાનની આકરી ટીકા કરી હતી અને તુર્કીને ચેતવણી પણ આપી હતી કે તે ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપ ન કરે.


ભારતનો જડબાતોડ જવાબ
ભારત પરના આરોપોનો જવાબ આપતા ફર્સ્ટ સેક્રેટરી અનુપમા સિંહે કહ્યું,ભારતના આંતરિક મામલામાં તુર્કીની ટિપ્પણીઓ દુઃખદ છે અને અમે આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં તુર્કી અમારી આંતરિક બાબતો પર ટિપ્પણી કરવાનું ટાળશે. ઉપરોક્ત આરોપો અંગે અમે કહેવા માંગીએ છીએ કે એક વખત ભારત પર પાયાવિહોણા આક્ષેપો કરવા માટે ફરી કાઉન્સિલના પ્લેટફોર્મનો દુરુપયોગ દુર્ભાગ્યપૂર્ણ છે. આખું જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ ભારતનું અભિન્ન અંગ છે. ભારત સરકારે અહીં સામાજિક અને આર્થિક વિકાસની સાથે સારું શાસન પ્રદાન કર્યું છે. બંધારણીય ફેરફારો કરવામાં આવ્યા છે. આ ભારતનો આંતરિક મામલો છે.


શું હતું તુર્કીએનું નિવેદન?


તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કહ્યું હતું કે દક્ષિણ એશિયામાં શાંતિ, સ્થિરતા અને વિકાસ માટે કાશ્મીરમાં ન્યાય સાથે શાંતિ સ્થાપિત કરવી જરૂરી છે. ભારત-પાકિસ્તાને આ મામલો વાતચીત અને સહયોગ દ્વારા ઉકેલવો પડશે. કાશ્મીરમાં શાંતિ માટે જે પણ પગલાં લેવામાં આવશે તેને તુર્કી સમર્થન આપશે.


અગાઉ તુર્કી દ્વારા UNHRCમાં પણ કાશ્મીરનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તે સમયે એર્દોગને કાશ્મીર મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ દ્વારા ઉકેલવાની વાત કરી હતી. ગત વર્ષે પણ તુર્કીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કહ્યું હતું કે કાશ્મીરની સમસ્યા 74 વર્ષથી ચાલી રહી છે. બંને પક્ષોએ સંયુક્ત રાષ્ટ્ર સાથે મળીને આનો ઉકેલ લાવવો જોઈએ. 2019માં કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ તુર્કીએ કહ્યું હતું કે આનાથી સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે.