નવી દિલ્હીઃ ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત સહિત 13 અન્ય લોકોનું હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થયું છે. જેમાં જનરલ બિપિન રાવતની પત્ની મધુલિકા રાવત અને સૈન્યના અનેક મોટા અધિકારીઓ સામેલ હતા. એરફોર્સનું હેલિકોપ્ટર તમિલનાડુના કુનુરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા જેમાંથી 13ના નિધન થયું છે જ્યારે ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની સારવાર ચાલી રહી છે.
જનરલ રાવતના પત્નીનું નામ મધુલિકા હતું જે આર્મી વાઇફ્લસ વેલફેર અસોસિયેશનના અધ્યક્ષ પણ હતા. તે મધ્યપ્રદેશના શહડોલના રહેવાસી હતા અને દિવંગત રાજનેતા મૃગેન્દ્રસિંહના દીકરી હતા. જનરલ રાવત અને મધુલિકા રાવત બે દીકરીઓના માતા પિતા હતા. તેમની એક દીકરીનું નામ કૃતિકા રાવત છે. સાર્વજનિક રીતે બિપિન રાવતની દીકરીઓની ખૂબ ઓછી જાણકારી છે. પરંતુ બંન્ને દીકરીઓ જનરલ બિપિન રાવતની શાન હતી. બિપિન રાવતના પિતા લક્ષ્મણ સિંહ રાવત પણ ભારતીય સૈન્યમાં સેવા આપી ચૂક્યા છે અને તેઓ લેફ્ટિનન્ટ જનરલના પદ સુધી પહોંચ્યા હતા. તેમની માતા ઉત્તરકાશીથી ધારાસભ્ય રહેલા કિશન સિંહ પરમારના દીકરી હતા.
63 વર્ષના જીવનમાં જનરલ રાવતે અનેક એવા કામ કર્યા છે જે હંમેશા યાદ રાખવામાં આવશે. ઉરી હુમલા બાદ સરહદ પાર જઇને સર્જિકલ સ્ટ્રાઇક પેરા કમાન્ડોઝે ભલે કરી હોય પરંતુ તે પાછળનું દિમાગ જનરલ રાવતનું હતું. અશાંત વિસ્તારમાં કામ કરવાનો અનુભવને જોતા મોદી સરકારે ડિસેમ્બર 2016માં જનરલ રાવતને આર્મી ચીફ બનાવ્યા હતા.
મણિપુરમાં જૂન 2015માં આતંકી હુમલામાં કુલ 18 જવાન શહીદ થયા હતા. ત્યારબાદ 21 પેરા કમાન્ડોએ સરહદ પાર જઇને મ્યાનમારમાં આતંકી સંગઠન એનએસસીએન-કેના અનેક આતંકીઓને ઠાર માર્યા હતા ત્યારે આ કમાન્ડો પેરા થર્ડ કૉર્પ્સના હેઠળ હતા જેના કમાન્ડર બિપિન રાવત જ હતા.
જનરલ રાવત આર્મી ચીફના પદ પરથી 31 ડિસેમ્બર 2019ના રોજ નિવૃત થયા બાદ દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બન્યા હતા. ઉત્તરાખંડ સાથે સંબંધ ધરાવનારા રાવતને પૂર્વીય સેક્ટરમાં એલઓસી,કાશ્મીર ઘાટી અને પૂર્વોત્તરમાં કામ કરવાનો લાંબો અનુભવ હતો. કારગીલ યુદ્ધમાં પણ તેમણે શૌર્યનો પરિચય આપ્યો હતો.
16 ડિસેમ્બર 1978ના રોજ જનરલ બિપિન રાવત સેકન્ડ લેફ્ટિનન્ટ સૈન્યમાં ભરતી થયા હતા. 1980માં તે લેફ્ટિનન્ટના પદ પર પ્રમોટ કરાયા હતા. 1984માં તેમને સૈન્યના કેપ્ટનની રેન્ક અપાઇ હતી. 1989માં તે મેજર બન્યા હતા. 1998માં તે લેફ્ટિનન્ટ કર્નલ બન્યા હતા. બાદમાં કારગીલમાં યુદ્ધ થયું હતું. વર્ષ 2003માં તેઓ કર્નલ બન્યા હતા. ચાર વર્ષ બાદ 2007માં તેઓને બ્રિગેડિયર બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2011માં તે મેજર જનરલ બન્યા હતા. 2014માં લેફ્ટિનન્ટ જનરલના પદ પર પ્રમોટ કરાયા હતા. એક જાન્યુઆરી 2017માં મોદી સરકારે તેઓને આર્મી ચીફ બનાવ્યા હતા. 2017માં ડોકલામમાં ભારતીય સૈન્યએ સૈન્ય વડા જનરલ બિપિન રાવતની આગેવાનીમાં ભારતીય સૈન્યએ ચીની સેનાનો સામનો કર્યો હતો અને ચીનને પાછળ હટવા માટે મજબૂર કર્યુ હતું.