India Afghanistan Relation: ભારતીય અધિકારીઓ કાબુલમાં તાલિબાનના વરિષ્ઠ સભ્યોને મળ્યા હતા. એક વરિષ્ઠ ભારતીય રાજદ્વારી ટીમ હાલ કાબુલમાં છે. વિદેશ મંત્રાલયમાં પાકિસ્તાન-અફઘાનિસ્તાન અને ઈરાન બાબતોના પ્રભારી સંયુક્ત સચિવ જે.પી સિંહના નેતૃત્વમાં અફઘાનિસ્તાન પહોંચેલી ટીમે ભારતીય સહાયથી બનેલા પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી તેમજ તાલિબાનના પ્રતિનિધિઓને પણ મળ્યા હતા. આ દરમિયાન અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.


આ પહેલા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે કહ્યું હતું કે, વિદેશ મંત્રાલયની આ ટીમ તાલિબાનના વરિષ્ઠ સભ્યોને મળશે. તેમણે કહ્યું હતું કે, આ સાથે આ ટીમ અફધાનિસ્તાનમાં માનવતાવાદી સહાય પૂરી પાડતી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓને પણ મળશે. આ ઉપરાંત, ટીમ એવા સ્થળોની પણ મુલાકાત લેશે જ્યાં ભારતના સહાયના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. 


આ સાથે અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસને ફરીથી ખોલવા પર, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, ગયા વર્ષે 15 ઓગસ્ટ પછી, અફઘાનિસ્તાનમાં બગડતી સુરક્ષા પરિસ્થિતિને કારણે, ભારત સ્થિત આપણા નાગરિકને પરત લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, સ્થાનિક સ્ટાફે અત્યાર સુધી ભારતીય એમ્બેસીના પરિસરની જાળવણી કરી છે.


ભારતીય દૂતાવાસનું કામ ટૂંક સમયમાં શરૂ થઈ શકે છેઃ
જોકે, આ દરમિયાન ભારતીય રાજદ્વારીઓની તાલિબાનના પ્રતિનિધિઓ સાથે પહેલા કતાર અને પછી રશિયામાં બેઠકો થઈ છે. તેમજ સૂત્રોનું માનીએ તો પડદા પાછળ સંવાદની કેટલીક બારીઓ પણ ખુલ્લી રાખવામાં આવી હતી. એવું કહેવાય છે કે સરકાર અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસનું કામકાજ ન્યૂનતમ સ્ટાફ સાથે શરૂ કરવા પર પણ વિચાર કરી રહી છે. આ માટે તાજેતરમાં સુરક્ષા ઓડિટ પણ કરવામાં આવ્યું હતું. તાજિકિસ્તાનમાં 27 મેના રોજ આયોજિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક બાદ ભારતીય રાજદ્વારી ટીમની અફઘાનિસ્તાનની તાજેતરની મુલાકાત થઈ છે. આ બેઠકમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર હતા.