ભોપાલઃ ભારતીય રેલવેએ ભંગાર વેચીને પોતાના ખજામાં એક મોટી રકમ એકઠી કરી છે. રેલવે તરફથી એક આરટીઆઇ અરજીના જવાબ અનુસાર, વિભાગે છેલ્લા 10 વર્ષોમાં ભંગાર વેચીને 35,073 કરોડ રૂપિયાની કમાણી કરી છે. રેલવે મંત્રાલયે છેલ્લા 10 વર્ષોમાં વેચવામાં આવેલા ભંગારને લઇને જે વિગતો આપવામાં આવી છે તેના પરથી જાણવા મળ્યુ છે કે વર્ષ 2009-10થી વર્ષ 2018-19ના સમયગાળા વચ્ચે વિવિધ પ્રકારના ભંગાર વેચીને વિભાગે 35,073 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જેમાં કોચ, વેગન્સ અને રેલવે ટ્રેકનો સમાવેશ થાય છે.
મધ્યપ્રદેશના માલવા-નિમાંડ અંચલના પત્રકાર અને સામાજિક કાર્યકર્તા જિનેન્દ્ર સુરાનાએ આરટીઆઇ હેઠળ રેલવે બોર્ડ દ્ધારા આપવામાં આવેલી વિગતોમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા 10 વર્ષોમાં સૌથી વધુ ભંગાર 4409 કરોડ રૂપિયાના વર્ષ 2011-12માં વેચવામાં આવ્યો છે જ્યારે સૌથી ઓછો ભંગારની આવક વર્ષ 2016-17માં 2718 કરોડ રૂપિયાની થઇ હતી.
રેલવે બોર્ડ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, વેચવામાં આવેલા ભંગારમાં સૌથી મોટી હિસ્સેદારી રેલવે ટ્રેકની છે. વર્ષ 2009-10થી 2013-14 વચ્ચે 6885 કરોડ રૂપિયાનો ભંગાર વેચવામાં આવ્યો હતો. વર્ષ 2015-16થી 2018-19ના સમયગાળા વચ્ચે 5053 કરોડ રૂપિયાનો ભંગાર વેચવામાં આવ્યો હતો. કુલ મળીને 10 વર્ષોમાં રેલવે ટ્રેકનો ભંગાર વેચીને 11,938 કરોડ રૂપિયાની આવક કરી છે.
સુરાનાએ કહે છે કે રેલવે ટ્રેકના ભંગારથી એક વાત સ્પષ્ટ થાય છે કે વર્ષ 2009-10થી 2013-14ના વચ્ચે પાંચ વર્ષના સમયગાળાની તુલનામાં વર્ષ 2014-15થી 2018-19 વચ્ચે રેલવે ટ્રેકનો ભંગાર ઓછો નીકળ્યો છે. એવું લાગે છે કે છેલ્લા પાંચ વર્ષમાં રેલવે ટ્રેકમાં ઓછો ફેરફાર થયો છે. જો રેલવે ટ્રેકમાં પરિવર્તન કરવામાં આવ્યો હોત તો જૂની ટ્રેકનો ભંગાર નીકળ્યો હોત.