નવી દિલ્હી: નાગપુરથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં અચાનક મોટી ખામી સર્જાતાં પ્લેનને રન-વે પર જ રોકી દેવાયું હતું. આ પ્લેનમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ સવાર હતાં જેઓ દિલ્હી જઈ રહ્યા હતાં. મળતાં માહિતી મુજબ, પ્લેનમાં ટેક્નિકલ ખામી સર્જાયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઈન્ડિગોની ફ્લાઇટ સંખ્યા 6E 636માં આ ખામી આવી છે.


સુત્રો પ્રમાણે, પ્લેન ટેકઓફ થવા માટે રન-વે પર પહોંચી ગયું હતું. ત્યાર બાદ પાયલટોને ટેક્નિકલ ખામીની જાણ થઈ હતી. ત્યાર બાદ પ્લેનને ટેક્સી વેમાં પાછું લઈ જવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન પેસેન્જરોની સાથે કેન્દ્રીય મંત્રી પણ પ્લેનમાં સવાર હતા. સમયસર ખામીની જાણ થતાં જ મોટી દુર્ઘટના ટળી હતી.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દિલ્હીમાં કેન્દ્રીય કેબિનટની 11 વાગ્યે મળનારી બેઠકમાં સામેલ થવાના હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોક કલ્યાણ માર્ગ પરના નિવાસ્થાને કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી. છેલ્લી ઘડીએ ફ્લાઇટમાં આવેલી ખામીના કારણે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીનું બેઠકમાં સામેલ થવું મુશ્કેલ બન્યું હતું.