નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય નેવી અધિકારી જાધવને સંભળાવવામાં આવેલી મોતની સજાને લઈને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં સોમવારથી સુનાવણી શરૂ થઈ ગઈ. ભારતે આ મામલે વિયેના સંધિને લઇને ભારતને ઘેર્યું હતું. ભારત તરફથી દીપક મિત્તલ ને સીનિયર વકીલ હરિશ સાલ્વેએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો અને પાકિસ્તાનના જૂઠા દાવાઓને પર્દાફાશ કર્યો હતો. હરિશ સાલ્વેએ કહ્યું કે, પાકિસ્તાને વિયેના સંધિનો ભંગ કર્યો છે અને 13 વખત વિનંતી કરી છતા કુલભૂષણ જાધવને કોન્સ્યુલરની  એક્સેસ આપવામાં નથી આવી. બંન્નેએ કુલભૂષણને નિર્દોષ ગણાવ્યો હતો જેને પાકિસ્તાન ફંસાવીને પોતાનો પ્રોપેગેંન્ડા ચલાવી રહ્યો છે. મામલાની સુનાવણી આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.


સાલ્વેએ આઈસીજેને કહ્યું, પાકિસ્તાને જાધવ મામલે વિશ્વસનીય સાક્ષી રજૂ નથી કર્યા અને સ્પષ્ટ ગુનો દર્શાવવામાં નિષ્ફળ રહ્યાં છે. સાલ્વેએ પોતાની દલીલોમાં વિયેના સંધિની વિવિધ આર્ટિકલ્સનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે, પાડોશી દેશ તેમના દેશના એક નિર્દોષ નાગરિકનો જીવ લેવામાં લાગ્યો છે. સાલ્વેએ કહ્યું કે પાકિસ્તાન જાધવ વિરૂદ્ધ જાસૂસીના વિશ્વનિય પુરાવા રજૂ નથી કરી શક્યા. મંગળવારે પાકિસ્તાની વકીલ ખાવર કુરૈશી દલીલ રજૂ કરશે. જે બાદ ભારત 20 ફેબ્રુઆરીએ તેના પર જવાબ આપશે.

સુનાવણી દરમિયાન સાલ્વેએ કહ્યું કે, પાકિસ્તાને એક એવાં ભારતીય નાગરિકને જેલમાં રાખ્યા છે જેને તેઓ આતંકવાદી ગણાવે છે. તેઓ તેને ભારતીય એજન્ટ ગણાવે છે, જે બલૂચિસ્તાનમાં અસ્થિરતા ફેલાવે છે. પાકિસ્તાને ભારત વિરુદ્ધ માહોલ બનાવવા માટે કુલભૂષણ જાધવનો ઉપયોગ કર્યો છે. નોંધનીય છે કે પાકિસ્તાન વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ એજી અનવર મંસૂર ખાન જ્યારે ભારતના વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ દીપક મિત્તલ પાસે હાથ મિલાવવા પહોંચ્યા તો મિત્તલે તેમની સાથે હાથ મિલાવ્યા નહોતા અને દૂરથી જ હાથ જોડી લીધા હતા.