નવી દિલ્હી: ભારતીય અંતરિક્ષ એજન્સી સાત નવેમ્બરે પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (PSLV-C49) ને લોન્ચ કરવાની તૈયારીમાં છે તેની સાથે જ ભારત આ યાન મારફતે દેશના રડાર ઈમેજિંગ ઉપગ્રહ (સેટેલાઈટ) અને નવ અન્ય વિદેશી ઉપગ્રહોને પણ અંતરિક્ષમાં લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ ઉપગ્રહ લોન્ચ કર્યા બાદ ભારતીય અંતરિક્ષ એજન્સી કુલ 328 વિદેશી ઉપગ્રહોને સફળતાપૂર્વક અંતરિક્ષમાં લઈ જનારી એજન્સી બની જશે.


ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ના એક વરિષ્ઠ અધિકારીએ IANSને જણાવ્યું હતું કે, ‘શ્રીહરિકોટા રૉકેટ પાર્ટ પરથી 7 નવેમ્બરે 10 ઉપગ્રહોવાળા રોકેટને 3.02 વાગ્યે લોન્ચ કરવામાં આવી શકે છે. જ્યારે લોન્ચ પેડ પહેલા રોકેટ લોન્ચ માટે 26 કલાકની ઉલટી ગણતરી શુક્રવારે બપોરથી શરુ થઈ થશે.’

ઉલ્લેખનીય છે કે, PSLV-C49 નું લોન્ચિંગ ઈસરોનું આ વર્ષનું પ્રથમ મિશન છે. આ લોન્ચથી ભારત પોતાના રડાર ઈમેજિંગ ઉપગ્રહ સાથે 9 વિદેશી ઉપગ્રહો પણ લોન્ચ કરશે. તેમાં લિથુઆનિયા, લક્સમબર્ગ(ક્લેઓસ સ્પેસના 4 મેરીટાઈમ એપ્લીકેશન સેટેલાઈટ), અને યૂએસ( 4-લેમુર મલ્ટી મિશન રિમોટ સેન્સિંગ સેટેલાઈટ) સામેલ છે. જો ઈસરો આ 9 વિદેશી ઉપગ્રહોને અંતરિક્ષમાં પહોંચાડવામાં સફળ થશે તો ભારત 328 વિદેશી ઉપગ્રહોને સફળતાપૂર્વક અંતરિક્ષમાં લઈ જવાનો રેકોર્ડ બનાવશે.

ભારતે સૌપ્રથમ વર્ષ 1999માં વિદેશી સેટેલાઈટને અંતરિક્ષમાં મોકલવાનું શરુ કર્યું હતું. જેના બાદ અત્યાર સુધી ભારતે બે દાયકામાં 319 વિદેશી ઉપગ્રહો લોન્ચ કરી દીધાં છે. જેમાં એક ચીની ઉપગ્રહ પણ સામેલ છે. જ્યારે ભારત સરકાર અનુસાર, ઈસરોએ 26 દેશોના ઉપગ્રહો લોન્ચ કરીને છેલ્લા પાંચ વર્ષમાં 1245.17 કરોડ રૂપિયાની કમાણી કરી છે. નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન 2017-18માં લોન્ચ ઈનકમ 232.56 કરોડ રૂપિયાથી 324.19 કરોડ રૂપિયા હતી.