Supreme Court: સુપ્રીમ કોર્ટમાં જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવવાના વિરોધમાં અરજીઓ પર સુનાવણી ચાલી રહી છે. મંગળવારે સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી ક્યારે યોજાશે? અને રાજ્યનો દરજ્જો ક્યારે પાછો મળશે?
જેના પર સોલિસિટર જનરલ મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે સરકાર તરફથી નિર્દેશ મળ્યા છે કે લદ્દાખ સ્થાયી રીતે કેન્દ્ર શાસિત પ્રદેશ રહેશે. જ્યારે જમ્મુ કાશ્મીરને અસ્થાયી રીતે વર્તમાન સ્થિતિમાં રહેશે. લદ્દાખમાં કારગીલ અને લેહમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે.
તેઓએ ગૃહમંત્રી લોકસભામાં આવેલા જવાબનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થયા બાદ પૂર્ણ રાજ્યનો દરજ્જો પાછો આપી દેવામાં આવશે. સરકારને તેમાં કોઇ વિરોધ નથી. જ્યારે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીને લઇને સરકાર 31 ઓગસ્ટના રોજ જાણકારી આપશે.
જમ્મુ-કાશ્મીરમાં સરકાર ક્યારે ચૂંટણી કરાવવા જઈ રહી છેઃ સુપ્રીમ કોર્ટ
આ દરમિયાની ચીફ જસ્ટિટે સવાલ કર્યો કે સરકાર જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી ક્યારે કરાવી રહી છે? સીજેઆઈએ એસજી તુષાર મહેતાને એવો કાયદો પણ બતાવવા કહ્યું કે તેમને રાજ્યનું પુનર્ગઠન કરવાની સત્તા ક્યાંથી મળી? મહેતાએ કલમ 3ને ટાંકીને કહ્યું કે સંસદને રાજ્યની સીમાઓ નક્કી કરવાનો અને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનો અધિકાર છે. CJIએ પૂછ્યું કે તમે એક કેન્દ્રશાસિત પ્રદેશ કેમ ના બનાવ્યો ? જમ્મુ કાશ્મીર અને લદ્દાખને અલગ અલગ કેમ બનાવ્યા?
લદ્દાખને કેમ અલગ કરવામાં આવ્યું, સરકારે જણાવ્યું
જસ્ટિસ સંજય કિશન કૌલે પૂછ્યું હતું કે જો તમે લદ્દાખને અલગ કર્યા વિના આખો એક કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યો હોત તો શું અસર થઇ હોત? જેના પર એસજી મહેતાએ જણાવ્યું હતું કે પહેલા અલગ કરવો અનિવાર્ય હતું. આસામ અને ત્રિપુરાને પણ અગાઉ અલગ કરીને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા હતા. એક રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરી શકાય નહીં. CJIએ કહ્યું હતું કે ચંદીગઢને ખાસ કરીને પંજાબથી અલગ કરીને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો અને બંન્ને રાજ્યોની રાજધાની બનાવાઇ છે.
કલમ 370 અંગે શું દલીલો આપવામાં આવી?
કલમ 370 હટાવવાના વિરોધમાં દાખલ અરજીઓ પર 12મા દિવસે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન એસજી તુષાર મહેતાએ દલીલો રજૂ કરી હતી. આમાં તેમણે કહ્યું કે અમે ત્રણ મુખ્ય મુદ્દાઓ પર દલીલ કરીશું. આમાંથી પહેલું - આર્ટિકલ 370 પરનું અમારી વ્યાખ્યા સાચી છે. બીજું- રાજ્ય પુનર્ગઠન અધિનિયમ અને ત્રીજું આર્ટિકલ 356 લાગુ થવા પર વિધાનસભાની સત્તાના માપદંડો પર.
સોલિસિટર જનરલે કહ્યું કે બંધારણના ઘડવૈયાઓનો ક્યારેય આર્ટિકલ 370ને કાયમી સ્વરૂપમાં લાવવાનો ઈરાદો નહોતો. આ સાથે તેમણે કહ્યું કે સરહદી રાજ્ય હોવાને કારણે વિશેષ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની દલીલ પણ નબળી છે કારણ કે જમ્મુ-કાશ્મીર એકમાત્ર સરહદી રાજ્ય નથી.