Women entry ban in Jama Masjid: દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદે એકલી યુવતીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેતા વિવાદ સર્જાયો છે. મસ્જિદના પ્રવેશદ્વાર પર સિંગલ મહિલાઓ માટે નો-એન્ટ્રી બોર્ડ લગાવવામાં આવ્યા હતા. યુવતીઓના આ પ્રવેશ પ્રતિબંધને લઈને મસ્જિદના શાહી ઈમામે કહ્યું હતું કે, યુવતીઓ અહીં આવીને અયોગ્ય હરકતો કરે છે. 


જામા મસ્જિદે એકલી યુવતીઓની નો-એન્ટ્રીને લઈને લગાવેલી નોટિસમાં લખવામાં આવ્યું છે કે, જામા મસ્જિદમાં એકલી છોકરી કે યુવતીઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. જેનો અર્થ સ્પષ્ટ છે કે, પુરૂષો વિના મહિલાઓ હવે જામા મસ્જિદમાં પ્રવેશ કરી શકશે નહીં. આ મુદ્દે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આ આદેશનો વિરોધ કર્યો છે.


સ્વાતિ માલીવાલે કહ્યું હતું કે, આ મામલે તે મસ્જિદના ઈમામને નોટિસ પાઠવશે. બીજી બાજુ મસ્જિદ પ્રશાસનનું કહેવું છે કે, મહિલાઓ સાથે અશ્લીલતા રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. માલિવાલે પોતાના પત્રમાં લખ્યું છે કે, જામા મસ્જિદમાં મહિલાઓના પ્રવેશ પર રોક લગાવવાનો નિર્ણય બિલકુલ અયોગ્ય છે. એક મહિલાને પૂજા કરવાનો પુરૂષ જેટલો જ અધિકાર છે. હું જામા મસ્જિદના ઈમામને નોટિસ પાઠવી રહી છું. આ રીતે મહિલાઓને પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો કોઈને અધિકાર નથી.


આદેશ સામે વિરોધનો વંટોળ


અનેક સામાજિક કાર્યકરોએ પણ જામા મસ્જિદના આ આદેશનો વિરોધ કર્યો છે. સામાજિક કાર્યકર શહનાઝ અફઝલે કહ્યું હતું કે, ભારતમાં દરેકને સમાન અધિકાર મળ્યા છે. માટે આવો નિર્ણય બંધારણનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે. આવો નિર્ણય કોઈ પણ સંજોગોમાં માન્ય નથી. મુસ્લિમ રાષ્ટ્રીય મંચના પ્રવક્તા શાહિદ સઈદે પણ તેનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું હતું કે, આ ખોટી માનસિકતા છે. મહિલાઓ માટે બેવડા ધોરણો શા માટે? પૂજા સ્થળ દરેક માટે ખુલ્લું હોવું જોઈએ.


શાહી ઇમામનો વિચિત્ર તર્ક


બીજી તરફ જામા મસ્જિદના શાહી ઈમામ સૈયદ અહમદ બુખારીએ પ્રતિબંદ્ઘ લગાવવાનું કારણ આપતા કહ્યું હતું કે, મસ્જિદમાં નમાઝ પઢવા આવતી મહિલાઓને રોકવામાં નહીં આવે. તેમણે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે, છોકરીઓ તેમના બોયફ્રેન્ડ સાથે મસ્જિદમાં આવતી હોવાની ફરિયાદો સામે આવી હતી. જો કોઈ મહિલા જામા મસ્જિદમાં આવવા માંગતી હોય તો તેણે તેના પરિવાર કે પતિ સાથે આવવાનું રહેશે.