નવીદિલ્હી: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દૂલ્લાએ રાજ્યમાં વધી રહેલી હલચલના લઈને ચિંતા વ્યક્ત કરી છે. શનિવારે આ મામલે તેઓ પ્રતિનિધિમંડળ સાથે રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા. રાજ્યપાલ સાથે મુલાકાત બાદ તેમણે કહ્યું, 'અમે ઈચ્છીએ છીએ કે કેંદ્ર સરકાર જમ્મુ-કાશ્મીરની હાલની સ્થિતિ અંગે સંસદમાં સોમવારે નિવેદન જાહેર કરે.'


નેશનલ કોન્ફરનસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે મુલાકાત કરી હતી. રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે મુલાકાત બાદ ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, અમે રાજ્યપાલને સ્થિતિ વિશે ચર્ચા કરી હતી. અમને જણાવવામાં આવ્યું કે કેન્દ્ર સરકાર તરફથી 370ને લઈને કોઈ પણ એલાન કરવાની તૈયાર નથી કરવામાં આવી રહી. ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે હજુ સુધી અમને રાજ્યમાં તૈનાત કોઈ અધિકારી પાસેથી જવાબ નથી મળી રહ્યો. તેમણે વધુમાં કહ્યું, અમે વિલય સમયે જમ્મુ કાશ્મીરને આપવામાં આવેલી સંવૈધાનિક ગેરંટી પર કેંદ્રનું આશ્વાસન ઈચ્છીએ છીએ.

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, અમે જમ્મુ-કાશ્મીરની હાલની સ્થિતિ વિશે જાણવા માંગીએ છીએ. જ્યારે અમે અધિકારીઓને પૂછીએ છીએ તો કહે છે કે કંઈક તો થઈ રહ્યું છે, પરંતુ કોઈને ખબર નથી કે હકિકતમાં શું થઈ રહ્યું છે.

આ પહેલા પીડીપી નેતા મહબૂબા મુફ્તીએ શુક્રવારે રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. રાજયપાલે રાજકીય પક્ષોને અફવાઓ પર ધ્યાન ન આપવા માટે અપીલ કરી હતી.