શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ હવે શ્રીનગર સચિવાલય પરથી રાજ્યનો ધ્વજ પણ ઉતારી લેવાયો છે. હવે શ્રીનગર સચિવાલય પર રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગો લહેરાઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સપ્તાહથી બન્ને ધ્વજ એક સાથે લગાવેલા હતા. પરંતુ હવે જમ્મુ કાશ્મીર રાજ્યનો અલગ ધ્વજ હટાવી દીધો છે.


જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો મળેલો હતો. જમ્મુ કાશ્મીરનું પોતાનું અલગ સંવિધાન, ધ્વજ અને દંડ સંહિતા હતી, પરંતુ 370 હટાવ્યા બાદ હવે ત્યાં ભારતીય બંધારણ લાગુ થશે. હવે સરકારી ઇમારતો પર રાષ્ટ્રીય ધ્વજ લહેરાશે અને ભારતીય દંડ સંહિતાનું પાલન થશે. ભારતમાં વિલય થયા બાદ જમ્મુ કાશ્મીરની સંવિધાન સભાએ 7 જૂન 1952માં રાજ્ય માટે અલગ ધ્વજની મંજૂરી આપી હતી.
આર્ટિકલ 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરની સ્વરૂપ બદલાઈ ગયું છે. હાલ જમ્મુ કાશ્મીર રાજ્યના રાજ્યપાલ હવે કેન્દ્ર શાસિત જમ્મુ અને કાશ્મીર અને કેન્દ્ર શાસિત લદાખના ઉપરાજ્યપાલ રહેશે. સાથે વિધાનસભાનો કાર્યકાળ પણ 6 મહિના નહીં પણ 5 વર્ષનો રહેશે.