શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલાવામામાં જિલ્લામાં ગુરુવારે ઉરી બાદ સૌથી મોટો આંતકી હુમલો થયો છે. પુલવામામાં જૈશ-એ મોહમ્મદના એક આતંકીએ વિસ્ફોટકથી ભરેલા વાહનથી સીઆરપીએફના કાફલામાં એક બસને ટક્કર મારી હતી જેમાં 42 જવાન સવાર હતા. આ આત્મઘાતી હુમલામાં 40થી વધુ જવાન શહીદ થઇ ગયા છે. ધમાકો એટલો જબરજસ્ત હતો કે બસનું કચ્ચરઘાણ થઇ ગયું હતું.

પોલીસે આતંકવાદીની ઓળખ પુલવામાના કાકાપોરાનો રહેવાસી આદિલ અહમદ તરીકે કરી છે. તેઓએ જણાવ્યું કે અહમદ 2018માં જૈશ-એ-મોહમ્મદ સંગઠનમાં સામેલ થયો હતો.

કેવી રીતે કરવામાં આવે છે સુરક્ષા

સુરક્ષાદળોનો જ્યારે કોઈ મોટો કાફલો પસાર થાય છે ત્યારે હાઇવે પર સવારે 8 વાગ્યાથી લઇને રાત્રે 8 વાગ્યા સુધી સુરક્ષાદળ તૈનાત રહે છે. આ પ્રકારની મૂવમેન્ટ દરમિયાન પણ ચાર થી પાંચ ગાડીઓ કાફલાની સુરક્ષા માટે આગળ ચાલતી હોય છે. તે સિવાય કેટલાક જવાનો ચાલતા ચાલતા નજર રાખે છે કે કોઈ આતંકી કાફલામાં ઘુસવાનો પ્રયાસ ના કરે. દર 500 મીટરના અંતરે જવાન તૈનાત રહે છે. તેમ છતાં આ મોટો આતંકી હુમલો થવું સુરક્ષામાં મોટી ચૂક માનવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, સુરક્ષાદળોનો કાફલો જ્યારે પસાર થાય છે તે દરમિયાન હાઇવે પર સામાન્ય લોકોની અવર જવર પર કોઈ રોક લગાવવામાં આવતી નથી. એવામાં આતંકવાદીઓએ આ વાતનો ફાયદો ઉઠાવીને મોટા હુમલાને અંજામ આપ્યો.

કેવી રીતે થયો હુમલો

પ્રાપ્ત જાણકારી પ્રમાણે એક ફોર વ્હીલરમાં ફિદાયીન હુમલાવર બેઠો હતો અને તે IED વિસ્ફોટકથી ભરેલી ગાડી લઇને બસ સાથે ટકરાવી. આ બ્લાસ્ટ બાદ આતંકીઓએ ફાયરિંગ અને ગ્રેનેડ હુમલો પણ કર્યો. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે તેનો અવાજ લગભગ પાંચ કિમી સુધી સંભળાયો હતો. જે ફિદાયીન ગાડીનો ઉપયોગ પુલવામામાં હુમલાને અંજામ આપવા માટે કર્યો હતો તેમાં 200 કિલોથી વધુ વિસ્ફોટક ભર્યું હતું.

આ કાફલામાં CRPFની લગભગ 78 વાહનો હતા અને તેમાં 2547 જવાન સવાર હતા. આ કાફલમાં સીઆરપીએફની 54મી, 179મી અને 34મી બટાલિયન એક સાથે જઈ રહી હતી. તે દરમિયાન 54મી બટાલિયનને પર આ હુમલો થયો. આતંકીઓ 3 વાગીને 37 મિનિટ પર પુલવામાના અવંતીપુરામાં લાતૂ મોડ પર કર્યો. આ હુમલો એ વખતે થયો જ્યારે સીઆરપીએફના જવાનો શ્રીનગરથી પુલવામાં જઈ રહ્યા હતા.