નવી દિલ્હીઃ દિલ્હી સરકારે અત્યાર સુધી જેએનયુના પૂર્વ વિદ્યાર્થી સંઘ અધ્યક્ષ કન્હૈયા કુમાર વિરુદ્ધ રાજદ્રોહનો કેસ ચલાવવાની મંજૂરી માંગી નથી. બુધવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં મામલાની સુનાવણી થઇ તો દિલ્હી પોલીસે જણાવ્યું કે, હજુ સુધી દિલ્હી સરકાર તરફથી રાજદ્રોહનો કેસ ચલાવવાની મંજૂરી મળી નથી.
ત્યારબાદ કોર્ટે દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલને નિર્દેશ આપ્યા હતા કે તે દિલ્હી સરકારને પત્ર લખી તેના પર વલણ સ્પષ્ટ કરવા કહે. ત્યારબાદ દિલ્હી પોલીસે કેજરીવાલ સરકારને પત્ર લખી કન્હૈયા કુમાર સહિત અન્ય વિરુદ્ધ રાજદ્રોહને કેસ ચલાવવાની ફરીથી મંજૂરી માંગી હતી.
દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે દિલ્હી સરકારને પત્ર લખી કહ્યું હતું કે, 9 ફેબ્રુઆરી 2016ના રોજ જેએનયૂમાં ભારત વિરોધી નારાઓ લગાવવામાં આવ્યા હતા ત્યારબાદ દિલ્હીના વસંતકુંજ પોલીસ સ્ટેશનમાં આઇપીસીની કલમ 124 એ (રાજદ્રોહ),147,149,120બી અને 34 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. વસંતકુંજ પોલીસની તપાસ બાદ 29 ફેબ્યુઆરી 2016ના રોજ કેસને સ્પેશ્યલ સેલને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો હતો.