નવી દિલ્હીઃ#MeToo કેમ્પેઇન હેઠળ જાતીય શોષણના આરોપનો સામનો કરી રહેલા વિદેશ રાજ્યમંત્રી એમ.જે અકબરે રાજીનામું આપી દીધું છે. અકબર પર 15 મહિલા પત્રકારોએ #MeToo કેમ્પેઇન હેઠળ જાતીય શોષણના આરોપ લગાવ્યા હતા. અકબર પર પ્રથમ આરોપ વરિષ્ઠ પત્રકાર પ્રિયા રમાનીએ લગાવ્યો હતો. જેમાં એત હોટલના રૂમમાં ઇન્ટરવ્યૂ દરમિયાન થયેલી ઘટનાની વાત કરી હતી. રમાનીના આરોપો બાદ અકબર વિરુદ્ધ અનેક મહિલાઓ સામે આવી હતી અને આરોપો લગાવ્યા હતા.


આ અગાઉ અકબરે વિદેશ પ્રવાસ બાદ ભારત પરત આવ્યા બાદ પોતાના પર લાગેલા આરોપોને લઇને પોતાનો પક્ષ રાખ્યો હતો. તેમણે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. અકબરે આરોપ લગાવનારી પ્રિયા રમાની વિરુદ્ધ દિલ્હીની એક અદાલતમાં માનહાનિનો કેસ પણ કર્યો છે.
દૈનિક ન્યૂઝપેપર ધ ટેલિગ્રાફ અને પત્રિકા સંડેના સંસ્થાપક સંપાદક રહી ચૂકેલા અકબર 1989માં રાજનીતિમાં આવ્યા અગાઉ મીડિયામાં એક મોટી હસ્તીના રૂપમા ઓળખાતા હતા. તેમણે કોગ્રેસની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી હતી અને સાંસદ બન્યા હતા. અકબર 2014માં લોકસભા ચૂંટણી અગાઉ બીજેપીમાં સામેલ થયા હતા. મધ્યપ્રદેશથી રાજ્યસભાના સાંસદ અકબર જૂલાઇ 2016મા વિદેશ રાજ્યમંત્રી બન્યા હતા.