Presidential Polls: ભાજપે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) અને રક્ષામંત્રી રાજનાથ સિંહ(Rajnath Singh) ને એનડીએ  (NDA) અને યૂપીએ  (UPA) ના તમામ પક્ષો સાથે વિચાર વિમર્શ કરવા માટે અધિકૃત કર્યા છે.  ભારતીય જનતા પાર્ટી (BJP) ના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા અને કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને ચર્ચા માટે અધિકૃત કર્યા છે. તેઓ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) અને યુનાઈટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (UPA)ના તમામ ઘટક પક્ષો તેમજ અન્ય રાજકીય પક્ષો અને અપક્ષો સાથે ચર્ચા કરશે. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ ટૂંક સમયમાં પરામર્શની પ્રક્રિયા શરૂ કરશે.


તમને જણાવી દઈએ કે વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ સમાપ્ત થઈ રહ્યો છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર, જો રાષ્ટ્રપતિ પદ માટે એકથી વધુ વ્યક્તિઓએ નામાંકન કર્યું હોય, તો નવા રાષ્ટ્રપતિ માટે 18 જુલાઈએ મતદાન થશે અને મતગણતરી 21 જુલાઈએ થશે. આ ચૂંટણીમાં 4,809 મતદારો હશે, જેમાંથી 776 સાંસદ અને 4,033 ધારાસભ્યો હશે. જેમાં રાજ્યસભાના 223 અને લોકસભાના 543 સભ્યોનો સમાવેશ થાય છે.


ભાજપે ઘેરાબંધી શરૂ કરી


રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને ભાજપે ઘેરાબંધી શરૂ કરી દીધી છે. કોંગ્રેસની આગેવાની હેઠળના યુપીએ ગઠબંધન પાસે હાલમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લગભગ 23 ટકા વોટ છે, જ્યારે એનડીએ ગઠબંધન પાસે લગભગ 49 ટકા વોટ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 15 જૂન પછી ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં રાષ્ટ્રપતિ અને ઉપ રાષ્ટ્રપતિ બંને ઉમેદવારોના નામ પર ચર્ચા થશે. તે પહેલા પાર્ટીએ રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે.