Delhi : ભાજપના હકાલપટ્ટી કરાયેલા નેતા નવીન જિંદાલ અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ તેમણે પરિવાર સાથે દિલ્હી છોડી દીધું છે. પયગંબર મુહમ્મદ વિરુદ્ધ કરેલી ટિપ્પણીને લઈને વિવાદ શરૂ થયા બાદ જિંદાલને ભાજપમાંથી કાઢી મૂકવામાં આવ્યાં હતા. પાર્ટીના સસ્પેન્ડ કરાયેલા ભાજપ પ્રવક્તા નુપુર શર્માના નિવેદનના સમર્થનમાં આ ટીપ્પણી પણ પ્રોફેટ વિરુદ્ધ હતી.
કેટલાંક લોકો મારી પાછળ પડ્યા હતા : નવીન જિંદાલ
બરતરફ કરાયેલા નેતાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે થોડા દિવસો પહેલા જ્યારે તે કોઈને મળવા ગયા ત્યારે કેટલાક લોકો તેમની પાછળ પડ્યા હતા. તેમણે આ અંગે પોલીસને પણ જાણ કરી હતી. પોલીસે આ બાબતને ગંભીરતાથી લીધી છે કારણ કે સોશિયલ મીડિયા પર એવા અહેવાલો વહેતા થયા હતા કે અજાણ્યા વ્યક્તિઓએ કથિત રીતે તેમના ઘરની રેકી કરી હતી.
મારા પરિવારના સભ્યોની માહિતી શેર કરશો નહીં : નવીન જિંદાલ
એક ટ્વિટમાં નવીન જિંદાલે કહ્યું છે કે, “મારી દરેકને ફરીથી નમ્ર વિનંતી છે કે મારા અને મારા પરિવારના સભ્યો વિશે કોઈપણ પ્રકારની માહિતી કોઈની સાથે શેર ન કરો. મારી વિનંતી પછી પણ ઘણા લોકો મારા રહેઠાણનું સરનામું સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યાં છે. મારા પરિવારનો જીવ ઈસ્લામિક કટ્ટરપંથીઓથી જોખમમાં છે.”
નવીન જિંદાલને સતત મળી રહી છે ધમકીઓ
નવીન જિંદાલે અન્ય એક ટ્વિટમાં કહ્યું છે કે, “હમણાં જ મને અને મારા પરિવારના સભ્યોને મારી નાખવાની ધમકી મળી છે. ધમકી આપનાર વ્યક્તિએ અમને આ નંબર પર +918986133931 પરથી સવારે 11:38 વાગ્યે ફોન કર્યો હતો. મેં તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી.”
તમને જણાવી દઈએ કે પયગંબર મોહમ્મદ વિશે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ દેશમાં ઉભો થયેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. શુક્રવારની નમાજ પછી દેશના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શન શરૂ થયા અને આંદોલનકારીઓએ નુપુર શર્મા અને નવીન જિંદાલ સામે કડક કાર્યવાહી કરીને તેમની ધરપકડની માંગ કરી છે.